શું તમને લાગે છે કે પરગ્રહ વાસીએ ક્યારેય પૃથ્વી ઉપર આવીને ઉતર્યા હતા? ? શું કદાવર પિરામિડ, યુરોપમાં દેખાતા રહસ્યમય પાક વર્તુળો ( ક્રોપ સર્કલ્સ), ઈન્કા સંસ્કૃતિ, એસ્ટરની વિશાળ મૂર્તિઓ અને ઈંગ્લેન્ડના પ્રચંડ દેખાતા સ્ટોનહેંજ તેમના દ્વારા બનાવવામાં આવ્યા હતા? આવું આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. કારણકે જ્યારે ઇતિહાસ લખવાની શરૂઆત નહોતી થઈ! તે સમયે વિશાળકાય પથ્થરો વડે સ્થાપત્ય ઊભું કરવું મુશ્કેલ વાત ગણાય છે? ટેકનોલોજીના વિકાસ બાદ, આધુનિક ઇજનેરોએ પણ, પિરામિડ જેવા વિશાળકાય સ્મારક ઊભા કરવા હોય તો, નાકે દમ આવી જાય. તો પછી જ્યારે ટેકનોલોજી નો વિકાસ થયો નહોતો, ત્યારે માનવીએ આવા સ્મારક કેવી રીતે ઉભા કર્યા? પૃથ્વી ઉપર પથરાયેલા આવા અસંખ્ય સ્થાપત્ય અને અજાયબી માનવીને આશ્ચર્યમાં મૂકી દે છે! આધુનિક ટેકનોલોજીની ગેરહાજરીમાં, માનવીના પ્રયત્નોનું પરિણામ આપણી નજર સામે છે. જે લગભગ અશક્ય જેવું લાગે. રહસ્યમય પણ લાગે? આવા રહસ્ય ઉકેલવા માટે આપણે પુરાતત્વવિદોની મદદ વડે ઊંડું (શાબ્દિક રીતે) ખોદકામ કરીએ છીએ, પરિણામે આપણે આપણા રહસ્યમય ભૂતકાળના આશ્ચર્યજનક જવાબો જાહેર કરવા માટે કેટલીક કડીઓ શોધી શકીએ છીએ.
મેગા સ્ટોન સર્કલ: સ્મશાનભૂમિમાં શું સામ્ય છે?
ઇંગ્લેન્ડમાં આવેલ સ્ટોનહેંજ એ એવું જ એક આકર્ષક સ્મારક છે. જેમાં 13 વિશાળ પત્થરો (13 ફૂટ ઊંચા, 7 ફૂટ પહોળા) એક વર્તુળમાં ઊભા છે, જે અનિવાર્યપણે સંસ્કૃતિના નિયોલિથિક અને કાંસ્ય યુગના દફનભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે. આ બધું ખરેખર અદ્ભુત છે, પરંતુ તેને આપણા દેશ ભારત અને મહારાષ્ટ્રમાં આવેલ પૂણે શહેર સાથે શું લેવાદેવા છે? શું તમે જાણો છો કે ઈંગ્લેન્ડના સ્ટોનહેંજ અને પુણે ખાતે આવેલ મેગા સ્ટોન સર્કલ સ્મશાનભૂમિમાં શું સામ્ય છે? ભારતીય ઉપખંડમાં પ્રાચીનકાળમાં વસનાર મેગાલિથિક મેન-લોકો વિશાળ પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં બહુ પાછળ નહોતા. તેમણે સ્ટોનહેંજ જેવીજ રચના પૂણેના ભોસારીના ઉપનગરમાં વિશાલ પથ્થરો દ્વારા બનેલ સ્મશાન ભૂમિ જેવી નિશાની છોડી છે. 1885માં જ્યારે ગેઝેટિયર ઓફ બોમ્બે પ્રેસિડેન્સીના બ્રિટિશ લેખકોએ પુણેના ઈતિહાસ વિશે લખ્યું ત્યારે, તેઓ આ ભેદી મનુષ્યો તેમજ પુણેની આસપાસના તેમના અવશેષોથી અજાણ હતા. પરંતુ આધુનિક યુગમાં, કેટલાક વિદ્વાનો અને આર્કિયોલોજીસ્ટોએ, ભારતીય ઇતિહાસના ખોવાયેલા પ્રકરણોને શોધી કાઢવાનો સુંદર પ્રયાસ કરેલ છે. જેમાં હિન્દુસ્તાનમાં વસનાર મેગાલિથિક સિવિલાઈઝેશન અને તેની સાથે સંકળાયેલા લોકોની માહિતી મેળવી, એક રહસ્યમય પઝલ જેવા ઉખાણાનો ભેદ, ઉકેલવાના પ્રયત્નો તેજ કરી દીધા છે.મેગાલિથિક સંસ્કૃતિની પૂર્વધારણા સૂચવે છે કે મેગાલિથ્સ જેમ કે ગીઝાના પિરામિડ, સ્ટોનહેંજ અને સમગ્ર વિશ્વમાં અન્ય મેગાલિથિક બંધારણો, લોકોના સામાન્ય જૂથ અથવા સંસ્કૃતિ દ્વારા નિયોલિથિક સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા. એલેક્ઝાન્ડર થોમએ આવી રચના કરનાર - રચનાકાર એટલે કે બિલ્ડરોનો ઉલ્લેખ મેગાલિથિક માણસ તરીકે કર્યો હતો. આ પૂર્વધારણા મેગાલિથિક મેટ્રોલોજીમાં મળેલા ચોક્કસ માપ પર આધારિત છે, જે લગભગ તમામ જાણીતા મેગાલિથ્સ માટે જોવા મળે છે. આ પૂર્વધારણા વિજ્ઞાન જગતના મુખ્ય પ્રવાહના કેટલાક સિદ્ધાંતોને પડકારે છે. આ કારણે જ પોતાને આધુનિક ગણાવતા કેટલાક વૈજ્ઞાનિક સમુદાયો, મેગાલિથિક સંસ્કૃતિ માટેના સંશોધનને સ્યુડો-સાયન્ટિફિક માને છે. વિજ્ઞાન જગત અને વિજ્ઞાનીઓ માટે મહત્વની વાત એ છે કે પોતાની માન્યતા કે ધારણાને વળગી રહેવા કરતા, સત્યની શોધ કરવાનો ધ્યેય, તેમની પ્રાથમિકતા બનવો જોઈએ. પ્રવર્તમાન સિદ્ધાંતોને પડકાર ફેકનાર પૂર્વધારણાઓ ઉપર પણ સંશોધન થવું જોઈએ. હિન્દુસ્તાનનો મેગાલિથિક માનવી પણ, આવા જ એક રહસ્યમય સમયકાળમાંથી આવે છે. હિન્દુસ્તાનમાં અનેક ઠેકાણે તેમણે રચેલા, પથ્થરના સ્મારકો જોવા મળે છે.
પુનાની નજીક આવેલ ભોસારી: પ્રોટો- ઐતિહાસિક અવશેષો
પુનાની નજીક આવેલ ભોસારી એક પ્રાચીન સભ્યતા અને જૂની વસાહત ધરાવતું સ્થળ છે. સ્થાનિક લોકોની દંત કથાઓ અને યાદદાસ્ત મુજબ, ભોસારી એ ભોજપુર તરીકે ઓળખાતી જૂની વસાહત છે અને તેની પાસે "કોટ" તરીકે ઓળખાતી કિલ્લેબંધી હતી. જૂના ગામમાં, મધ્યકાલીન અવશેષો મહાદેવ મંદિરના સ્વરૂપમાં, ખંડોબાના મંદિર સાથે, ચેડોબા, મુંજાબા, બાબપૂજી બુવા જેવા લોક દેવતાઓના મંદિરની સાથે સાથે અને કેટલાક હીરોસ્ટોન્સ સ્વરૂપમાં ગોઠવાયેલી રચનાઓ પણ, પથ્થર સ્વરૂપે વિખરાયેલી પડી હતી. 1939માં ડૉ. સાંકલિયા અને તેમની ટીમને પથ્થરની રચનાના નિશાન મળ્યા હતા. જે ઘણી સદીઓ પ્રાચીન માનવામાં આવતા હતા. પ્રોટો- ઐતિહાસિક સમયગાળાના આ અવશેષો, પથ્થરને ઘડીને આકાર આપ્યા વિના જ, પથ્થરના એક વિશાળ વર્તુળમાં ઉભા ગોઠવવામાં આવેલ છે. ઉભા ગોઠવવામાં આવેલ વિશાળ પથ્થરને આરકિયોલોજીસ્ટ “મેનહિર્સ” તરીકે ઓળખે છે. “મેનહિર્સ”માં એક ટટ્ટાર, આશરે ઊંચો ત્રિકોણાકાર ફ્લેટ સ્લેબ દેખાય છે. કેટલીકવાર, મોટા ત્રણ કે ચાર પથ્થરો કાટખૂણે ગોઠવાયેલા હોય છે. જે મથાળેથી કેપિંગ સ્ટોનથી ઢંકાયેલા હોય છે. નિષ્ણાતો તેને "ડોલ્મેન" તરીકે ઓળખે છે.આશ્ચર્યજનક બાબત એ છે કે આમાંના કોઈપણ પત્થરોમાં કોઈ છીણીના ચિહ્નો નથી! કે તેમાં પથ્થરોને જોડવા માટે સિમેન્ટિંગ સામગ્રી નથી! આપણને આશ્ચર્યએ વાતનું થાય કે આવા મોટા પથ્થર દૂરથી લાવીને, ચોક્કસ જગ્યાએ કેવી રીતે ખસેડવામાં આવ્યા હતા? તેને ચોક્કસ જગ્યાએ કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા? આ આ પ્રકારની રચનાઓ આકોલોજીસ્ટના મત મુજબ મુજબ પ્રોટો-ઐતિહાસિક દફનસ્થળને દર્શાવે છે. જેને યોગ્ય રીતે "મેગાલિથિક" (મોટા પથ્થરોના) તરીકે ઓળખવામાં આવે છે. આવા બાંધકામની રચના કરનાર માનવીને ઇતિહાસ મેગાલિથિક માનવી તરીકે ઓળખે છે. હિન્દુસ્તાનમાંથી મળેલ આ સભ્યતાના કેટલાક પુરાવાઓમાં, મેગાલિથિક માનવીએ બે ધાતુનો ઉપયોગ અથવા મિશ્રધાતુ વાપરવાના પ્રયોગ પણ કર્યા હતા, તેવું જોવા મળે છે. તાંબાના હાથા અને લોખંડના ફણાવાળા જમૈયા મહારાષ્ટ્રમાંથી મળ્યા છે.
કલાકૃતિમાં રહેલું કૌશલ્ય
આંધ્રપ્રદેશમાંથી મળેલા ઘંટ તાંબાનો અને અંદરનો ભાગ લોખંડનો બનેલો છે. કેટલાક સ્થાન પર સોનાની વસ્તુઓ મળી આવી છે. સોનીકામમાં પણ તેમની શ્રેષ્ઠતા જોવા મળે છે. સોના અને ચાંદીને મિશ્ર કરી બનતી ઈલેક્ટ્રમ ધાતુકામ પણ સુંદર છે. અહીંના સોની એક મીલીમીટર જેટલો પાતળો વાયર પણ બનાવી શકતા હતા. આ વાયરના ગૂંથેલા આભુષણ પણ મળ્યા છે. તેઓ મણકા બનાવવામાં પણ પારંગત હતા. તેઓ અકીક અને સ્ફટીકમય કિંમતી પથ્થરનાં મણકા બનાવતા. અકીક ઉપર જોઈતી પ્રાણી, પક્ષી કે વૃક્ષની છાપ ઉપસાવતા. દક્ષિણ ભારતના ઘણાં સ્થળોએ મળી આવેલ આવી ભાતભાતની ડિઝાઈનોમાં સમાનતા જોવા મળી છે. હિન્દુસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલ અને પૂર્વ ભાગમાંથી, મેગાલિથિક માનવીનાં બાંધકામ જોવા મળ્યા છે. પરંતુ મહારાષ્ટ્રમાં પુના નજીક મળી આવેલી પ્રાચીન સ્થાપત્ય ની નિશાનીઓ , ઇતિહાસકારને પણ આશ્ચર્યમાં નાખી દે તેવી વાત છે.
એકંદરે, સમગ્ર વિસ્તાર પ્રોટો-ઐતિહાસિક સ્મશાનભૂમિ હોય તેવું લાગતું હતું. મોટાભાગે હિંદુ સભ્યતામાં મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક આદિજાતિના લોકો મૃતકને દફન કરતા હતા. આજે પણ મહાર સમુદાયમાં મૃતકને દફન કરવાની દફનવિધિની પરંપરા, કેટલાક સ્થાનો ઉપર ચાલુ રહી છે. પરંતુ તે લોકો દફન સ્થળને અંકિત કરવા માટે વિશાળ પથ્થરો દ્વારા સ્મારકની રચના કરતા ન હતા? આ સ્થાન ઉપર પ્રાચીન વસાહત અને હિન્દુ ધર્મના મંદિરોનું અસ્તિત્વ , સમસ્યાનો ઉકેલ લાવવા માટે પૂરતું નથી. મેગાલિથિક માનવો અને વર્તમાન વિચરતી આદિજાતિઓ વચ્ચેના કેટલાક મહત્વપૂર્ણ સંબંધોને વિદ્વાનોએ ઉકેલવા પડશે. અલબત્ત, પરંપરાના ધોવાણ અને જમીન પરના ભૌતિક પુરાવાના નુકશાનને કારણે આવી પ્રથાઓની સાતત્યતા શોધવાનું, આર્કિયોલોજીસ્ટ માટે મુશ્કેલ બન્યું છે. આધુનિક કાળમાં કેટલાક સમુદાયોએ પણ આંધળાં રિવાજનું પાલન કર્યું હતું. મેગાલિથિક બંધારણ સાથે સામ્યતા ધરાવવા માટે "આધુનિક ડોલ્મેન જેવું" માળખું ઊભું કર્યું હતું. આ બે વચ્ચેનો તફાવત શોધી કાઢવો પડશે.
મેગાલિથિક માનવી ખરેખર કોણ હતા?
આજે અંતે એક સવાલ જરૂર થાય કે આ મેગાલિથિક માનવી ખરેખર કોણ હતા? આ સવાલનો અંતિમ અને ફાઈનલ જવાબ આપવો મુશ્કેલ છે. ભારતીય સંસ્કૃતિનાં ઈતિહાસમાં અને ખાસ કરીને પુરાતત્ત્વ વિજ્ઞાનમાં આ લોકોના યોગદાનને અમૂલ્ય ગણનામાં આવે છે. જે અવશેષો મળ્યા છે. તે ઉપરથી અનુમાન લગાવી તેમની જીવનશૈલીની કલ્પના જરૂર થઈ શકે છે, પરંતુ તેમના જીવનની ઘણી બધી વાતો હજી રહસ્યમય ભૂતકાળમાં જ છુપાયેલી છે. તેઓ કલા અને ટેકનોલોજીજ ક્ષેત્રે આગળ હતા. તેઓ ભટકતું જીવન ગુજારતા હતા. તેમની મુખ્ય પ્રવૃતિ પશુપાલન રહી હતી. છેલ્લા આર્કિયોલોજીકલ પુરાવા બતાવે છે કે તેઓ જેમ જેમ સુંસ્કૃત થતા ગયા તેમ તેમ સ્થાયી જીવન જીવવા લાગ્યા હતા. તેઓએ ખેતીને વ્યસાય તરીકે અપનાવ્યો હતો. તેમની શબદાહ કે દફન કરવાની પદ્ધતિ વિશિષ્ટ હતી. આ પદ્ધતિએ જ તેમને વર્ષો બાદ ઓળખ છતી કરવાનો અવસર આપ્યો છે. ઘણી જગ્યાએ ખોદકામ કરવા છતાં તેમના શરીરના અવશેષોનો ખૂબ જ ઓછો ભાગ મળી આવ્યો છે. તેના ઉપર મૂકેલ વજન અને દબાણના કારણે હાડપિંજર તૂટી કે પિસાઈ ગયા છે.શારીરિક લક્ષણો પરથી અભ્યાસ કરનારા નૃવંશશાસ્ત્રીઓને પણ ગણીગાંઠી ખોપરી મળી છે. જેના ઉપરથી ચિત્ર દોરવું મુશ્કેલ છે. નૃવંશશાસ્ત્રીઓના અભિપ્રાય પણ ભિન્ન ભિન્ન છે. કેટલાક તેમને ઉત્તર- પશ્ચિમના યુરોપના રોમનકાળ પહેલાનાં માનવી ગણે છે. કેટલાક તેમને પ્રવિડીયલ કહે છે. કેટલાકના મત પ્રમાણે તેઓ 'મેડીટેરીઅન સી તરફના દરિયાઈ કાંઠાના લોકો જ હતા. જે દરિયામાર્ગે ભારત આવ્યા હતા. તેઓ પશ્ચિમ કે મધ્ય એશિયાના મૂળ વતની હશે. તેમની ઓળખ પર રહસ્યનો અડધો પડેલો જ રહેશે તેવું લાગી રહ્યું છે. આ તબક્કે એવું લાગે છે કે ‘આ લોકોની સાચી ઓળખ મેળવવામાં હાલના ભારતીય સંશોધકોને રસ રહ્યો નથી.’ યુનિવર્સિટીઓમાં થતું સંશોધનકાર્ય શૂન્યની કક્ષાએ જઈ પહોંચ્યું છે. ચોક્કસ ધ્યેય સાથે કામ કરનારા પુરાતત્ત્વવિદ્ અને નૃવંશશાસ્ત્રીઓની ખોટ છે. મોટી ખામી સરકારની સહાય અને પ્રાચીન ઈતિહાસને દફનજ રાખવાની ભારતીયવૃત્તીમાં છુપાઈ છે. કદાચ આવતીકાલે આ ભૂમિદાહની જગ્યા કોઈ, નવા પુરાવાઓ આપે ત્યારે આપણે મૈગાલિથિક માનવીની સાચી ઓળખ પામી શકીશું.