Saturday 17 December 2022

“અગસ્ત્ય સંહિતા”માં વિદ્યુત પેદા કરતી “બેટરી”નું વર્ણન આપેલ છે.!

 પશ્ચિમના વૈજ્ઞાનિકો કરતાં પહેલાં જ, 

            ભારતીય ઋષિ વિદ્યુત ઉત્પાદનનું  રહસ્ય જાણતા હતા?


થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર, ભેળસેળિયા સમાચાર વાંચવા મળ્યા. જેનો કેન્દ્રસાર હતો કે “પ્રાચીનકાળમાં  અગત્સ્ય ઋષિ દ્વારા  વિદ્યુત ઉર્જા પેદા કરવા, એટલે કે હાલમાં આપણે જે  બેટરી અથવા સેલ  વાપરીએ છીએ.તેને લગતી માહિતી / ફોર્મ્યુલા  તેમણે “અગસ્ત્ય સંહિતા”માં આપેલ છે. આ વાતને સમર્થન આપતી હોય તેવી એક ઓથેન્ટિક વીડિયો “કાશ્મીર ફાઈલ”ના ફિલ્મ નિર્માતા-નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની યુટ્યુબ ચેનલ “આઈ  એમ  બુદ્ધ” ઉપર જોવા મળી છે. ચેનલનાં “ભારત કી બાત”ના  છઠ્ઠા એપિસોડમાં વિદ્યુત અને ઇલેક્ટ્રિક પાવર  જનરેશનની વાત કરવામાં આવી છે. જેમાં ઋષિ અગસ્ત્ય અને “અગસ્ત્ય સંહિતા”માં આપેલ વિદ્યુતકોષનું  વર્ણન થતું હોય તેવો  શ્લોક પણ દર્શાવાયો છે. ઘણા લોકોને આશ્ચર્ય થયું કે “શું ખરેખર અગત્સ્ય સંહિતામાં વિદ્યુત શક્તિને લખતો સિદ્ધાંત છે ખરો?. જો  હોય તો તે ખરેખર કામ કરે છે?  અગત્સ્ય સંહિતામાં આપેલ વીજળીને લગતા શ્લોક અને સિદ્ધાંત ખોટો છે? એવું સાબિત કરવા માટે,ફક્ત ભારતમાં જ નહીં,અમેરિકામાં વસતા કહેવાતો બૌદ્ધિકો પણ કામે લાગી ગયા હતા? આ પ્રશ્નનો ઉકેલ મેળવતા જે માહિતી  મળી, તે માત્ર સામાન્ય માણસની નહિ, અર્બન નક્શલોની પણ આંખ ખોલી દે તેમ છે. અર્બન નક્શલોને હિન્દુસ્તાન કે પ્રાચીન શાસ્ત્રો ઉપર વિશ્વાસ નથી, તેઓ ગમે તે રીતે ઋષિ અગસ્ત્યે આપેલ વિદ્યુતને લગતો શ્લોક કે સિદ્ધાંત ખોટો પાડી શકે છે!  અગત્સ્ય સંહિતાનાં વીજળીને લગતા શ્લોકમાં ખરેખર શું છે? ચાલો તેની ભીતરમાં ઉતરીને સ્પષ્ટ જવાબ મેળવવાની કોશિશ કરીએ.


“અગસ્ત્ય સંહિતા”ની “બેટરી”નું વર્ણન

संस्थाप्य मृण्मये पात्रे

ताम्रपत्रं सुसंस्कृतम्‌।

छादयेच्छिखिग्रीवेन

चार्दाभि: काष्ठापांसुभि:॥

दस्तालोष्टो निधात्वय: 

पारदाच्छादितस्तत:।

संयोगाज्जायते तेजो मित्रावरुणसंज्ञितम्‌॥ 

-अगस्त्य संहिता

આજે દરેક ઇલેક્ટ્રોનિક્સ  ઉપકરણમાં વપરાતી બેટરીનું પ્રાચીન રૂપ, અગસ્ત્ય મુનિએ તેમના શ્લોકમાં આપેલું છે.  શ્લોકનો અનુવાદ આ પ્રમાણે થાય. એક માટીનું વાસણ લો, તેમાં તાંબાનીપટ્ટી ગોઠવો. તેમાં કોપર સલ્ફેટ નાખો, પછી વચમાં કરવત વડે લાકડું કાપતી વખતે પેદા થયેલ ભુક્કો ભીનો કરી  ગોઠવો, ઉપર પારો અને ઝીંક મૂકી દો, (પછી બે છેડા ઉપર )વાયરો ભેળવીશું તો મિત્રવરુણશક્તિ(વિદ્યુત શક્તિ)નો ઉદય થશે. આ શ્લોક અને  તેમાં દર્શાવેલ માહિતીની ચર્ચાની શરૂઆત 2015માં થઈ હતી. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા, ફરીવાર આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. 

1938-૩૯માં  જર્મન આર્કિયોલોજીસ્ટ  વિલ્હેમ કોનીગને  બગદાદમાં ખોદકામ વખતે માટીના કુંજા આકારનાં કેટલાક પાત્ર મળ્યા. જેનો ઉપરનો ભાગ ડામરથી ઢાંકી દેવામાં આવ્યો હતો. કેન્દ્રમાં તાંબાના નળાકારમાં  લોખંડનો સળીયો ગોઠવેલો હતો.  તેમણે પોતાની શોધ વિશે ઓસ્ટ્રેયાના “9 Jhre Irak”માં તેનું  વર્ણન આપ્યું. કોનીગે આ પાત્રોને પ્રાચીન બેબીલોનની બેટરી તરીકે ઓળખાવ્યુ. કેટલાક લોકો તેને \”બગદાદ બેટરી” તરીકે પણ ઓળખે છે. મજાની વાત એ છેકે “ બીજા વિશ્વયુદ્ધ પછી જનરલ ઇલેક્ટ્રિક કંપનીના વિલાર્ડ ગ્રે  નામના વૈજ્ઞાનિકે બગદાદ બેટરી જેવી જ રચના કરી. પરંતુ તેમાં વિદ્યુત પેદા થઈ નહીં.  તેને લાગ્યું કે પાત્રમાંથી  કોઈ ઇલેક્ટ્રોલાઇટ કેમિકલ  બાષ્પીભવન પામી ચૂકયું છે એટલે તેમાં  કોપર સલ્ફેટ ઉમેર્યું.  અને.. જાણે ચમત્કાર થયો. આ બેટરી વિદ્યુત પેદા કરતી હતી.વિલાર્ડ ગ્રેએ જાહેર કર્યું કે “બેબીલોન દ્વારા શોધવામાં આવેલી બેટરી,  ખરેખર કામ કરતી હતી. જેનો મતલબએ થયો કે “બેબીલોન વાસીઓ વિદ્યુત ઉર્જા વિશે જાણતા હતા.”હવે જ્યારે વિલાર્ડ ગ્રે નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલ બેટરીની રચના જોઈએ છે ત્યારે, આપણને સમજાય છેકે “અગસ્ત્ય ઋષિએ શ્લોકમાં જે પ્રકારની રચના વર્ણવી હતી, લગભગ તેવી જ રચના  બગદાદ કે બેબીલોન બેટરીમાં જોવા મળે છે. સવાલ એ થાય કે “ભારતીય પ્રાચીન  શાસ્ત્રોમાં દર્શાવેલ,  અગસ્ત્ય મુનિનો શ્લોક બગદાદ સુધી કઈ રીતે પહોંચ્યો? 


વી આર નોટ  ધ  ફર્સ્ટ - “રાઈડલ્સ ઓફ એન્સીયંટ સાયન્સ”

લેખક એન્દ્રું થોમસ આ સવાલનો આપે છે. આ ઘટનાનો ઉલ્લેખ, લંડનની સ્પીઅર બુક્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત,એન્દ્રું થોમસનાં પુસ્તક “વી આર નોટ  ધ  ફર્સ્ટ - રાઈડલ્સ ઓફ અન્સીયંટ સાયન્સ” (૧૯૭૧)માં જોવા મળે છે. લેખક પુસ્તકના પ્રકરણ-13માં ( પુષ્ઠ ૧૨૩) નોંધે છેકે “ તેમના ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનના રાજકુમારની લાઇબ્રેરીમાં અગત્સ્ય સંહિતાના કેટલાક દસ્તાવેજો તેમનાં દયાનમાં આવ્યા હત. જેમાં વિદ્યુત બેટરી કઈ રીતે બનાવવી તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. યાદ રહે આ ઉલ્લેખ અગત્સ્ય ઋષિએ આપેલ સંસ્કૃત શ્લોક મુજબનો છે. લેખક લખે છેકે મિત્ર-વરુણ એટલે  વિદ્યુતમાં આવતા બે ધ્રુવ  કેથોડ એનોડ છે.  આ લખાણ  બગદાદમાં આર્કિયોલોજિસ્ટ કોનીગને મળેલ, કોનીગ બેટરી કરતાં પણ વધારે પ્રાચીન છે. જેનો સ્પષ્ટ અર્થ એ થાય કે “ભારતની અગત્ય સંહિતાનુ જ્ઞાન સુમેર બેબીલોન અને ઇજીપ્ત સુધી પહોંચ્યું હતું.” આજના કહેવાતા બૌદ્ધિકો સવાલ કરે છેકે “અગસ્ત્ય ઋષિ દ્વારા  પ્રકાશિત અગત્ય સંહિતામાં આ શ્લોક તો છે જ નહીં?  આનો શું જવાબ  આપીશું?”લો આગળ વાંચો. 

 

આપણે રામાયણમાં  પુષ્પક વિમાનનો ઉલ્લેખ જોયો છે. રાવણ સીતાને ઉઠાવીને હવાઈમાર્ગે  લંકા પહોંચે હતો.સીતાને તે જે રથ/વાહનમાં ઉઠાવે છે. તેને આપણે વિમાન કહીશું કે આકાશયાન? ૧૯૨૦ની આસપાસ  એક મહારાષ્ટ્રિયન સંસ્કૃત વિદ્વાન પરશુરામ  હરી થત્તે, પ્રાચીન સાહિત્યમાં  દર્શાવેલ  વિમાન ઉપર “આકાશયાન” નામનું પુસ્તક લખી રહ્યા હતા. આ સમયે તેમને કેટલાક સવાલ થયા? તેઓ આકાશયાનની બાહ્ય રચનાનું  જ્ઞાન  પ્રાચીન ગ્રંથોમાંથી મેળવી શક્યા પરંતુ, તેની આંતરીક રચના કેવી હતી તે બાબતે તેમને કેટલાક સવાલ ઉઠતા હતા. આવાં સમયે વિદ્વાન રાવ સાહેબ કૃષ્ણજી વાજે તેમની મદદે આવ્યા. કૃષ્ણજી વાજે  પાસે સંસ્કૃતમાં  ટેકનીકલ માહિતી આપતા હોય તેવા પુસ્તકોનો સંગ્રહ હતો. 


શિખિગ્રીવ એટલે મોરની ગરદન?

રાવ સાહેબ કૃષ્ણજી વાજેએ 1891માં પૂનામાંથી એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી હતી. ભારતમાં વૈજ્ઞાનિક ગ્રંથો શોધતી વખતે તેમને ઉજ્જૈનમાં શ્રી એન.વી. ગાડગીલ,કહારવોડી દ્વારા કેટલાક દસ્તાવેજો મળ્યા. જે  અગસ્ત્ય સંહિતા સાથે સંકળાયેલા હતા. આ નકલ  ઉજ્જૈનના જગન્નાથ મંદિરના દામોદર ત્ર્યંબક જોશી પાસેથી મળી હતી. જેનો સમાવેશ “અગત્સ્ય સંહિતા”માં  થયો ન હતો. આ દસ્તાવેજો 1550ની આસપાસના હતા. દસ્તાવેજોમાં દર્શાવેલ વર્ણન વાંચીને, નાગપુરમાં સંસ્કૃત વિભાગના વડા એવા ડૉ.એમ.સી. સહસ્રબુદ્ધેને સમજાયું કે “આ વર્ણન ડેનિયલના કોષ (વિદ્યુત બેટરી) જેવું જ છે. તેથી, તેમણે નાગપુરમાં એન્જિનિયરિંગના પ્રોફેસર શ્રી પી.પી. હોલેને દસ્તાવેજોની માહિતી અનેમાં આપેલી રચના તપાસવા કહ્યું. જેમાં અગસ્ત્યનું સૂત્ર નીચે મુજબ હતું- “संस्थाप्य मृण्मये पात्रे….मित्रावरुणसंज्ञितम्‌॥ હતું.“

શ્લોક વર્ણનના આધારે, શ્રી હોલ અને તેમના મિત્રએ બેટરી બનાવવાની તૈયારીઓ શરૂ કરી. શ્લોકમાં દર્શાવેલ બધી જ સામગ્રી તેમની સમાજમાં આવી, પરંતુ શિખિગ્રીવનો  સાચો અર્થ સમજી શક્યા નહીં. તેમણે સંસ્કૃતિના પારંપરિક અર્થ પ્રમાણે તેનો અર્થ “શિખિગ્રીવ એટલે મોરની ગરદન” કર્યો. મોરની ગરદન મેળવવા માટે તેઓ નજીકના પ્રાણીસંગ્રહાલયમાં ગયા. ત્યાંના પ્રમુખને પૂછ્યું કે, “તમારા પ્રાણી સંગ્રહાલયમાં મોર ક્યારે મરી જશે? આ વાત સાંભળીને  પ્રમુખ  ગુસ્સે થયા અને કહ્યું કેમ? પછી શ્રી હોલે કહ્યું “એક પ્રયોગ માટે મોરની ગરદનની જરૂર છે.” આ સાંભળીને તેણે કહ્યું, ઠીક છે. તમે મને એક અરજી આપો. હું વ્યવસ્થા કરીશ.” 

થોડા દિવસો પછી આ વિષય ઉપર પી.પી. હોલે એક આયુર્વેદાચાર્ય સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે તેમણે આયુર્વેદાચાર્યને આખી ઘટના સંભળાવી ત્યારે તેઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું, અહીં શિખિગ્રીવનો અર્થ મોરની ગરદન નથી, પરંતુ તેના ગળાનાં રંગ જેવા કોપર સલ્ફેટનો ઉલ્લેખ છે. આ માહિતી મળતાની સાથે જ સમસ્યાનું નિરાકરણ થઇ ગયું. તેના આધારે એક બેટરી સેલ બનાવવામાં આવ્યો. જે  ખરેખર વિદ્યુત પેદા કરતો હતો. આ પ્રકારની બેટરીનું પ્રદર્શન 7 ઓગસ્ટ, 1990 ના રોજ સ્વદેશી વિજ્ઞાન સંશોધન સંસ્થા (નાગપુર)ની ચોથી વાર્ષિક સામાન્ય સભામાં અન્ય વિદ્વાનોની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડિજિટલ મલ્ટિમીટર દ્વારા વિદ્યુત પ્રવાહ માપવામાં આવ્યો, ત્યારે ઓપન સર્કિટનું  વીજ દબાણ (વોલ્ટેજ) 1.38 વોલ્ટ હતું,  અને  સર્કિટ કરંટ (વિદ્યુત પ્રવાહ) 23 mA હતો.

“આકાશયાન: પરશુરામ હરી થત્તે”

અગત્સ્ય ઋષિ કોણ હતા?  અગસ્ત્ય સંહિતા શું છે?.  તેની માહિતી તમને સ્ત્રોત દ્વારા પણ મળી શકશે.  અહીં અગસ્ત્ય ઋષિએ આપેલ  સંસ્કૃત શ્લોકઅને શ્લોકનો અનુવાદ  પુસ્તકોમાં કઈ રીતે પહોંચ્યો તેની પણ વાત કરવી છે.  “આકાશયાન” પુસ્તકની માહિતી આપતો, એક સંશોધન લેખ મરાઠી વિદ્વાન શ્રી પરશુરામ હરી થત્તેએ સૌપ્રથમ “વેદિક સામયિક અને ગુરુકુલ સમાચાર”, લાહોર, ભાગ. XXI, નં.7, ડિસેમ્બર 1923માં પ્રકાશિત કર્યો. તે લેખ ફરીવાર એપ્રિલ 1955  સાપ્તાહિક શિલ્પા-સંસાર, ભાગ.1 અંક 16માં  પુન: પ્રકાશિત થયો. જેની નકલ  જર્મની,  અમેરિકા  અને કેટલાક અન્ય દેશોની લાઇબ્રેરીમાં જોવા મળે છે.  પરંતુ ત્યાં માત્ર કોલેજ યુનિવર્સિટી કે અન્ય નામાંકિત વિદ્વાનો જ પહોંચી શકે છે. પરશુરામ હરી થત્તેનાં લેખમાં માત્ર વિમાનની રચના જ નહીં,  વીજ ઉત્પાદન માટે અગત્સ્ય ઋષિએ આપેલ “संस्थाप्य मृण्मये पात्रे….मित्रावरुणसंज्ञितम्‌॥” શ્લોકનો વિધિવતનો પ્રથમવાર ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં  ધાતુ પર બીજી ધાતુનો ઢોળ કઈ રીતે ચઢાવવો?  તે બાબતનો  ઇલેક્ટ્રોપ્લેટિંગને લગતો શ્લોક પણ છે. વિમાન માટે દોરડાની રચના કઈ રીતે કરવી તેને લગતો શ્લોક પણ છે.આ બધી માહિતી  પ્રાચીન વીમાનને લગતા પુસ્તક “આકાશયાન”માં આપેલી છે.નસીબની બલિહારી કે “પરશુરામ હરી થત્તેનું ““આકાશયાન” પુસ્તકનું પ્રકાશન થઈ શક્યું નહીં.” તેમના અન્ય અપ્રકાશિત પુસ્તકો સાથે અહીં દર્શાવેલ અપ્રકાશિત હસ્તપ્રત હવે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ  ઇન્સ્ટિટયૂટ પુના દ્વારા સાચવેલ છે.


ત્યાર બાદ એન્દ્રું થોમસનાં  પુસ્તક “ વી આર નોટ  ધ  ફર્સ્ટ -   રાઈડલ્સ ઓફ અન્સીયંટ સાયન્સ” (૧૯૭૧)માં  અગત્સ્ય સંહિતા અને  વિદ્યુત બેટરીનું  આલેખન  થયેલું જોવા મળે છે.  આ પુસ્તકનો રેફરન્સ લઈને,  બીજું એક પુસ્તક ૨૦૦૦માં પ્રકાશિત થાય છે. “ જેનું નામ છે: “ટેકનોલોજી ઓફ ગોડ”. જેના લેખક છે. ડેવિડ હેચર ચાઈલ્ડ્રેસ. પ્રકરણ-૪ “એન્સિયન્ટ  ઈલેક્ટ્રીક સીટી એન્ડ સક્રેડ ફાયર”માં “વી આર નોટ  ધ  ફર્સ્ટ”નો સંદર્ભ આપેલ છે. ઉપરાંત જુલાઈ ૧૯૬૪માં  પોપ્યુલર ઇલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયેલ લેખની માહિતી પણ છે. વિદ્યુત બેટરી 2000 વર્ષ પ્રાચીન છે, તેવો લેખ એપ્રિલ 1957ના સાયન્સ ડાઈજેસ્ટ પ્રકાશિત થયો હતો. તેનો ઉલ્લેખ પણ છે. કોઈ ભારતીય વિદ્વાને આ વિવાદમાં ઊંડા ઉતારવાનું પસંદ ન કર્યું, માત્ર સવાલ જ કર્યો કે “અગસ્ત્ય સંહિતા”માં આ શ્લોક છે જ નહીં? જો હોય તો પ્રકરણ ક્રમાંક અને શ્લોકનો ક્રમાંક જણાવશો.” બસ એટલુજ લખ્યુ. 


  અગત્સ્ય ઋષિએ  આપેલ  ડ્રાય સેલ  એટલે કે  વિદ્યુત બેટરીને  લખતા મારા લેખના પ્રકાશન બાદ કેટલાક વધારે સંદર્ભ મળી આવતા, ફરીવાર તેના ઉપર પ્રકાશ ફેકવાની ઈચ્છા રોકી શકાતી નથી. 


  આઠમી ઓગસ્ટ  1927નો લાઇબ્રેરીમાં રીસીવનો સિક્કો લાગેલ, ધ મિનેસોટા એલ્યુમની વીકલી  ઉપલબ્ધ થયું છે. જેમાં એક લેખ નું પ્રકાશન થયું હતું. (The Minnesota Alumni Weekly, Vol. No. 27, Number-3 , August-1927) જેના શીર્ષકમાં નીચેના શબ્દો હતા. 


First non-Stop Flight Made 2000 Years B. C. 

Revelations of Ancient manuscript, Discovered by Alumnus, Prove that Ancient Hindus Knew How to Fly, Knew that Hydrogen was Lighter than Air and Knew How to Make Dry Batteries.



પ્રથમ નોન-સ્ટોપ (ફ્લાઇટ)  પ્રાચીન હવાઇ ઉડ્ડયન ઈસવીસન પૂર્વે (બી.સી.) 2000 વર્ષ  પહેલા થયું હતું.


ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શોધાયેલ પ્રાચીન હસ્તપ્રતમાં થયેલ ઘટસ્ફોટ, જે સાબિત કરે છેકે પ્રાચીન હિંદુઓ કેવી રીતે ઉડવું (હવાઇ ઉડ્ડયન કરવું) તે જાણતા હતા.તેઓ જાણતા હતા કે હાઇડ્રોજન વાયુ, હવા કરતા પણ હળવો છે. એટલુજ નહિ ડ્રાય બેટરી કેવી રીતે બનાવવી તે પણ તેઓ જાણતા હતા.


ઉપરોક્ત લેખના લેખક ડૉ. વામન આર. કોકટનુર છે. તેઓ ન્યુયોર્કમાં વસનાર ભારતીય મૂળની વ્યક્તિ અને વ્યવસાયે “કન્સલ્ટિંગ  કેમિસ્ટ” તરીકે કામ કરતા હતા પરંતુ તેમનો મુખ્ય શોખ “હાયરોગ્લિફિક્સ” હતો. Dictionary.com ઉપર હાયરોગ્લિફિક્સ  બે અર્થ આપવામાં આવ્યા છે. (1) પ્રાચીન ઇજિપ્તમાં વપરાયેલ લેખનનું એક સ્વરૂપ, જેમાં ચિત્રો અથવા પ્રતીકોનો ઉપયોગ વસ્તુઓ, વિભાવનાઓ અથવા અવાજોનું પ્રતિનિધિત્વ કરવા માટે  થયો છે.  બીજો અર્થ થાય  મુશ્કેલ અથવા અસ્પષ્ટ લેખન.  અહી  બીજો અર્થ પ્રયોગમાં લઈશું કારણકે  ડૉ. વામન આર. કોકટનુરને સંસ્કૃત ભાષામાં લખાયેલ મુશ્કેલ અથવા અસ્પષ્ટ લેખનનું  સાચુ અર્થઘટન કરવાનો શોખ હતો. જેમાં તેમના રસાયણ શાસ્ત્રનો અભ્યાસ અને રસાયણશાસ્ત્રના ઇતિહાસનું જ્ઞાન ઉપયોગી બને છે.  


ડૉ. કોકટનુર ભારતના વતની હતાં, તેઓ બોમ્બે યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટી તેમજ મિનેસોટામાં ભણેલા હતાં. તેઓ રસાયણશાસ્ત્રમાં શેવલિન સભ્ય હતા, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિસ્ટના સભ્ય હતા, સિગ્મા XI અને અન્ય ઘણા વૈજ્ઞાનિક સમાજના સભ્ય હતા. હિરોગ્લિફિક્સના તેમના અભ્યાસ પર કામ કરતી વખતે, તેમને એક સંસ્કૃત પુસ્તક મળ્યું જેમાં એક જૂની પરંતુ જાણીતી હસ્તપ્રતના ચાર પાના હતા. જે 1550 માં લખવામાં આવ્યા હતા. આ પાનાં અગસ્ત્યના  એકત્રિત લખાણો ધરાવે છે. 1924 માં ઉજ્જૈન, ભારતના એક ભારતીય રાજકુમારની પુસ્તકાલયમાં વાઝે દ્વારા થોડા પૃષ્ઠો મળી આવ્યા હતા.રસાયણશાસ્ત્રી હોવાને કારણે, ડૉ. કોકટનુરે સ્વાભાવિક રીતે આ હસ્તપ્રતને ઉત્સુકતા સાથે મેળવી હતી, કારણ કે પૌરાણિક કથાઓમાં ઋષિ અગસ્ત્યને હાઇડ્રોજન અને ઓક્સિજન, ડ્રાય ઇલેક્ટ્રિક બેટરી, ઇલેક્ટ્રો-પ્લેટિંગ, પતંગો, ગરમ હવાના બ્લીમ્પ્સ અને પ્રોપેલ્ડ બલૂનનો શોધક હોવાનો શ્રેય આપવામાં આવે છે.

જ્યારે ૫ થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે ( સાલ લગભગ 1926 હોવી જોઈએ, કારણકે લેખનું પ્રકાશન ૧૯૨૭માં થાય છે).અમેરિકન કેમિકલ સોસાયટી, ડેટ્રોઇટ, મિશિગનમાં  એક મિટિંગ મળે છે.  જેમાં ડૉ.કોકટનુર બે પેપરની રજૂઆત કરે છે.  પ્રથમ પેપર રસાયણશાસ્ત્ર લગતું છે. જેમાં દર્શાવાયું છેકે  હાઈડ્રોજન અને ઓક્સિજનની શોધ કરનાર  કેવેન્ડિશ અને પ્રિસ્ટલી પહેલા વૈજ્ઞાનિક ન હતા. તેમના પહેલા પ્રાચીન ભારતમાં ઋષિ મુનીઓને  હાઈડ્રોજન અને ઓક્સિજન વિશેનું જ્ઞાન હતું. ત્યારબાદ તેઓ એક બીજું પેપર વાંચે છે. જેના મૂળ યહૂદી સભ્યતામાં નહીં પરંતુ આર્ય સભ્યતા છે. 


જ્યારે ડૉ. કોકટનુરે તેમને ડ્રાય ઈલેક્ટ્રિક બેટરી બનાવવાની પદ્ધતિનો અનુવાદ વાંચ્યો, જે ખ્રિસ્તી યુગની સદીઓ પહેલા લખાઈ હતી. ત્યારે સંમેલનમાં રસાયણશાસ્ત્રીઓનાં શ્વાસ થંભી ગયા હતાં. તેમના રસાયણશાસ્ત્રના જ્ઞાન પરથી, ડૉ. કોકટનુરે ઓળખી કાઢ્યું કે ડ્રાય બેટરી બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યાં સુધી તેમણે બેટરી નિર્માતાની સલાહ લીધી ન હતી, ત્યાં સુધી તેઓ જાણતા ન હતા કે, પારાના મિશ્રણવાળી ઝીંક પ્લેટનો પ્રતિક્રિયામાં શો ભાગ ભજવે છે. બેટરી નિર્માતાએ  સમજાવ્યું કે તે ધ્રુવીકરણને અટકાવે છે. ડ્રાય ઇલેક્ટ્રિક બેટરી બનાવવાની પ્રક્રિયા સમજાવ્યા પછી, અગસ્ત્ય ઋષિ આપણને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાની સમજ પણ આપે છે: આપણે જાણીએ છીએ કે પ્રાચીન લોકો માટે જાણીતી ઘણી કળાઓ ખોવાઈ ગઈ છે. ડૉ. કોકટનુર હસ્તપ્રત, "અગસ્ત્ય-સંહિતા" ની અધિકૃતતામાં તેમની માન્યતાને સમર્થન આપવા માટે ઘણા પુરાવાઓ પુરા પાડે છે.

"અગસ્ત્ય-સંહિતા"ની અધિકૃતતામાં માટે "પ્રથમ સ્થાને," ડૉ. કોકટનુરે કહે છે. "હકીકત એ છેકે વોલ્ટેઇક કોષની શોધ માત્ર એક સદી પહેલા થઈ હતી.  ધ્રુવીકરણને રોકવા માટેના ઉપાયો હજુ તાજેતરમાં જ શોધવામાં આવ્યા હતા. તેઓ સૂચવે છે કે જો હસ્તપ્રત નકલી હોય તો, કાગળ અને લેખનની સ્થિતિ તપાસીને હસ્તપ્રત 50 વર્ષ કે ઘણી સદીઓ જૂની છે કે કેમ તે શોધી કાઢવું જોઈએ?. આ વાત તેમની પ્રામાણિકતાની તરફેણમાં જણાય છે. તેઓ કહે છેકે એક છેતરપિંડી સફળતાપૂર્વક ચલાવવા માટે માણસ વિજ્ઞાન અને સંસ્કૃત ભાષા બંનેમાં પૂરતો વાકેફ હોય તે જરૂરી છે. સામાન્ય રીતે આવું  બનતું નથી કે માણસ વિજ્ઞાન અને સંસ્કૃત ભાષા બંનેમાં સંપૂર્ણ જાણકાર હોય."

"અગસ્ત્ય-સંહિતા" ની અધિકૃતતા/માન્યતાને સમર્થન આપતા તેઓ લખે છે કે. “ભારતમાં વિજ્ઞાનનું જ્ઞાન માત્ર અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે, જો કોઈ ભારતીય અંગ્રેજી શિક્ષિત રસાયણશાસ્ત્રી હોય તો તેમાં શંકા છે. ઉપરાંત  કોઈ વિદ્યુત રસાયણશાસ્ત્રીએ હકીકત જાણો કે એકીકૃત ઝીંક ધ્રુવીકરણને અટકાવે છે. તેની શક્યતા નહીવત છે. છતાં  જો કોઈએ આવું નકલી હસ્તપ્રત બનવાનું કૃત્ય કર્યું હોય, તો આવી હસ્તપ્રતને બનાવટી બનાવવા માટે તેની સંસ્કૃત સારી રીતે જાણવાની હોવી ખુબજ જરૂરી છે. જેની સંભાવના તક દૂર (સુધી નહીવત) શૂન્ય છે."

હસ્તપ્રતમાં દર્શાવેલ  "જોડિયા દેવતાઓનું નામ "મિત્ર વરુણ " ખૂબ જ જૂનાં છે.  તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે. 'મિત્ર' શબ્દનો અર્થ થાય છે 'મિત્ર', 'સાથી', બીજા શબ્દોમાં કહીએ તો, 'કેથોડ' કારણ કે આ સ્થાન પર થાપણ કરવામાં આવે છે. "વરુણ' નો અર્થ થાય છે 'લિક્વિફાઇડ અથવા દુશ્મન' (ઝીંકનું) અને તેથી એનોડ." આવા નોંધપાત્ર અર્થ સાથે આવા જોડિયા શબ્દનો ઉપયોગ ચોક્કસપણે ખૂબ મૌલિક વિચાર માંગી લે છે."તે જ રીતે ઓક્સિજન અને હાઇડ્રોજન માટે 'પ્રાણ' (જીવન માટે મહત્વપૂર્ણ) અને 'ઉડાન' (ઉપર-મુખી અથવા ઉપર-મુખી) નામો સમાન મૂળ અને નોંધપાત્ર છે. 


"હિંદુઓ ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુઓ વિશે જાણતા હોય તેવું લાગે છે. આવા જ્ઞાનની પ્રાચીનતાનો કોઈ પ્રશ્ન જ નથી. અનાદિ કાળથી ભારતમાં  જન્મેલી જાતિઓએ વારંવાર અમુક પ્રાર્થનાઓનું ઉચ્ચારણ કર્યું છે. જેમાં- આમાંના કેટલાક વાયુઓનો ઉલ્લેખ છે. ભારતમાં દરરોજ ભોજન સમયે લોકો દ્વારા પ્રાર્થનાઓનું પુનરાવર્તન કરવામાં આવે છે." જો આ વાયુઓનું જ્ઞાન એક અલગ ઉદાહરણ હોત,તો કોઈ આ હસ્તપ્રતના કપટપૂર્ણ સ્વભાવ પર સારી રીતે વિશ્વાસ કરી શકે છે. પરંતુ ભારતમાં રસાયણશાસ્ત્રનું ઉચ્ચ સમવર્તી જ્ઞાન એ ક્યારેય વિવાદાસ્પદ હકીકત રહી નથી. હળવા વાયુઓની તૈયારીનું તેમનું જ્ઞાન અને કોસ્ટિક આલ્કલી પદાર્થ, એક્વા-રેજીયાનું સંભવિત જ્ઞાન, તેમની જ્યોતના રંગ દ્વારા ધાતુઓની શોધ, ઝીંકને એક વિશિષ્ટ ધાતુ તરીકે ઓળખવાનું જ્ઞાન, ખ્રિસ્તી યુગની ઘણી સદીઓ પહેલા,ભારતીય જાણતા હતાં. દિલ્હી નજીક દસ ટનના ઘડાયેલા લોખંડના સ્તંભ અને નુરવર ખાતે 24 ફૂટની ઘડાયેલી લોખંડની બંદૂક જેવા તમામ મહાન સ્મારકો, પૂર્વજરૂરીયાતો આ હસ્તપ્રતની "અગસ્ત્ય-સંહિતા" પ્રામાણિકતા દર્શાવે છે."

પેપરની રજૂઆત બાદ મીટિંગમાં ઉપસ્થિત થયેલ લોકો ડોક્ટરનો ખાસ આભાર માને છે. તેઓ સહમત થાય છે કે ડોક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા પણ નિર્ણાયક છે. તેમણે રજૂ કરેલ પેપર  ભવિષ્યમાં “Isis” પ્રકાશિત થશે તેવી વાત પણ કરવામાં આવી હતી. “Isis” ધ હિસ્ટ્રી ઓફ સાયન્સ સોસાયટી દ્વારા પ્રકાશિત  હતી,  વૈજ્ઞાનિક અને ઐતિહાસિક માહિતીનું  સંકલન કરતી જર્નલ છે.  ધ હિસ્ટ્રી ઓફ સાયન્સ સોસાયટીએ વિજ્ઞાનના ઇતિહાસના શૈક્ષણિક અભ્યાસ માટે પ્રાથમિક વ્યાવસાયિક સોસાયટી છે. તેની સ્થાપના 1924માં જ્યોર્જ સાર્ટન, ડેવિડ યુજેન સ્મિથ, અને લોરેન્સ જોસેફ હેન્ડરસન દ્વારા કરવામાં આવી હતી. મુખ્યત્વે “આઇસિસ”ના પ્રકાશનને સમર્થન આપવા માટે, 1912માં સાર્ટનએ વિજ્ઞાનના ઇતિહાસની જર્નલ શરૂ કરી હતી.  આ જર્નલમાં ત્યારબાદ ડૉ. વામન આર. કોકટનુરનાં  પેપર રજૂ થયા કે નહી તેની કોઈ માહિતી મળતી નથી.  કારણ કે તે સમયના “આઇસિસ”  જર્નલની નકલ મારી પાસે ઉપલબ્ધ નથી.  તેમ છતાં  “ધ મિનેસોટા એલ્યુમની વીકલી” જર્નલ માં રજૂ થયેલ વિગતોને લઈને દૂધ અને પાણીને અલગ કરી શકે તેવી વાત કરી શકાય છે. કારણકે  “ધ મિનેસોટા એલ્યુમની વીકલી” મિનેસોટા યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવતી જર્નલ છે. 





No comments:

Post a Comment