Tuesday 27 December 2022

 આચાર્ય કણાદ : પ્રાચીન અણુવાદના પ્રણેતા

19મી સદીની શરૂઆતમાં પરમાણુ સિદ્ધાંતનો વિકાસ કરવાનોએક અંગ્રેજી રસાયણશાસ્ત્રી જોન ડાલ્ટનના ફાળે જાય છે. ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે જોન ડાલ્ટનથી અઢી હજાર વર્ષ પહેલા, પરમાણુ / અણુ સિદ્ધાંત   ભારતીય ઋષિ અને ફિલસૂફ આચાર્ય કણાદ દ્વારા આપવામાં આવ્યો હતો. આચાર્ય કણાદ દ્વારા  પદાર્થના અતિસુક્ષ્મ સ્વરૂપ જેવા કણને  “ અણુ” તરીકે ઓળખાવે છે.  જ્યારે પરમાણુ શબ્દ બ્રહ્મસંહિતાનાં પાંચમા પ્રકરણમાં  ઉલ્લેખ થયેલ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો “ આધુનિક વિજ્ઞાનનો પરમાણુ અને  આચાર્ય કણાદનો અણુ એકબીજાના પર્યાય તરીકે વપરાયેલા  હોય તેવું માની શકાય.પાંચમી કે ચોથી સદીની આસપાસ થઈ ગયેલા ભારતીય  ફિલોસોફર પાકુધા કાત્યાયન પણ ભૌતિક વિશ્વના પરમાણુ બંધારણ વિશે પોતાના વિચારો રજુ કર્યા હતા. પાકુધા કાત્યાયન ભગવાન બુદ્ધના સમકાલીન માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 5મી અને ત્રીજી સદીની વચ્ચે, ભગવદગીતામાં અણુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (અધ્યાય 8, શ્લોક 9)

ગુજરાતના સોમનાથ પાસે આવેલ પ્રભાસ ક્ષેત્રમાં ઈસવીસન પૂર્વે 600માં, આચાર્ય કણાદનો જન્મ થયો હતો. તેઓ તત્વજ્ઞાની ઉલ્કાના પુત્ર હતા. તેથી કેટલાક તેમને ઉલુક તરીકે પણ ઓળખે છે. તેમનું સાચું નામ મુની કશ્યપ હતું. (આ બાબતે મને શંકા છે.)  કહી શકાય કે તેઓ કશ્યપ ગોત્રના  સંતાન હતા. કેટલાક તેમને કણભુક તરીકે પણ ઓળખે છે. 1992માં પ્રકાશિત થયેલ કેશવ મિશ્ર રચિત તર્કભાષાના  ગુજરાતી અનુવાદમાં સંપાદક નોંધે છેકે “ ખેતરમાં નીચે પડેલા દાણા /કણ વીણીને તેઓ આહાર કરતા હોવાથી તેમને  કણાદ અથવા કણભુક  કહેવામાં આવે છે.  તેમના પરમાણુ વાદના આધારે તેમને કણનું અદન કરનાર એટલે “કણાદ” એમ પણ માનવામાં આવે છે. મહર્ષિ કણાદ એક પૌરાણિક વ્યક્તિ બની ગયા છે. તેથી તેમના જીવન અને સમયે વિશે હજુ પણ ચોક્કસ માહિતી મળતી નથી.વાયુપુરાણ શ્લોકના આધારે તેમને ગૌતમ બુદ્ધના સમકાલીન પણ માનવામાં આવે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર પણ તેનો ઉલ્લેખ કરે છે. તેથી તેમની નજરમાં પણ તેઓ મુનિ છે. એટલે કે તેઓ  ઠીક ઠીક વાત્સાયનની પૂર્વે થઇ ગયા હશે. એનાથી વિશેષ કંઇ કહી શકાય તેમ નથી.”

વાયુપુરાણના પૂર્વ ખંડમાં પ્રભાસ ક્ષેત્રમાં સોમ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા,  તેવો ઉલ્લેખ આવે છે.  કણાદ મુનિ આ મહાત્માના શિષ્ય હતા. તેમના માટે ઉલુક નામ પણ વપરાય છે. મહાભારતમાં ભીષ્મના મૃત્યુનુ અવસર ઉપર ઉલુક મુનિના આગમનનો ઉલ્લેખ કરેલ છે. અન્ય સ્થાનો ઉપર વિશ્વામિત્રના પુત્ર અથવા વંશજોમાં પણ ઉલુકનો  ઉલ્લેખ થયેલો છે.  વત્સ દેશમાં ઉલુક  ઋષિના આશ્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભીષ્મપિતા દ્વારા જ્યારે કન્યા અંબાનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે તેમને થોડા સમય માટે ઉલુક ઋષિના આશ્રમમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત શકુનીના પુત્રનું નામ ઉલુક હોવાનો ઉલ્લેખ છે. જે એકવાર દુર્યોધનનો દૂત બનીને પાંડવ શિબિરમાં ગયો હતો. આ બધા નામ અને ઉલ્લેખને આચાર્ય ઘણા સાથે કેટલો સંબંધ છે તે કહી શકાતું નથી. 

કહેવાય છે કે એકવાર ઉલુક તેમના પિતા સાથે પ્રયાગની થયા તીર્થયાત્રા ઉપર હતા. રસ્તામાં યાત્રાળુઓએ  મંદિરમાં અર્પણ કરેલ ફૂલો અને ચોખાના દાણાથી શેરીઓમાં ગંદકી કરી હતી.  ઉલુક ચોખાના નાના નાના કણોથી મોહિત થઇ ગયા હતા. તેઓએ જમીન પર પથરાયેલા ચોખાના દાણા એકઠા કરવા લાગ્યા. આ રીતે  અજાણ્યા મનુષ્યને રસ્તામાંથી અનાજ ભેગો કરતા જોવા માટે  ભીડ એકઠી થઇ ગઇ. લોકોએ તેને પૂછ્યું “ જે અનાજ અને ભિખારી પણ હાથ ન લગાડે દેવાના જ તેઓ શા માટે એકઠા કરી રહ્યા છે?  તેણે કહ્યું કે “ ચોખાના એક એક અલગ દાણો તમને  નકામો લાગશે, પરંતુ તેને સંગ્રહ કરવામાં આવે તો, તેના વડે એક વ્યક્તિનું ભોજન થઈ શકે. દરરોજ રસ્તામાં રીતે  ફેંકવામાં આવતા અનાજનો સંગ્રહ કરવામાં આવે તો સમગ્ર પરિવારનું ભોજન તેમાંથી નીકળી શકે.  કારણ કે આખરે સમગ્ર માનવજાત ઘણા પરિવારોથી બનેલી છે. આ રીતે ઉલુકએ સમજાવ્યું કે “ચોખાનું એક દાણો પણ વિશ્વની તમામ મૂલ્યવાન સંપત્તિ જેટલો જ મહત્વપૂર્ણ છે.” 


આ ઘટના બાદ લોકો તેમને કણાદ તરીકે ઓળખવા લાગ્યા કારણકે સંસ્કૃત ભાષામાં દ્રવ્યના સૌથી નાના ભાગને “કણ” તરીકે ઓળખવામાં આવે છે. આમ  નાના-નાના કણ એકઠા કરનાર વ્યક્તિ તરીકે લોકો તેમને કણાદ તરીકે ઓળખવા લાગ્યા. ચોખાના એક કણથી, ઉલુકની કલ્પનાને છુટ્ટો દોર મળ્યો. તેમણે અદ્રશ્ય વિશ્વ પ્રત્યેના પોતાના આકર્ષણને આગળ ધપાવવા માટે, પદાર્થના નાનામાં નાના એકમ તરીકે “કણ”ને પ્રસ્થાપિત કર્યો અને  આગળ જતાં પોતાના વિચારો લખવાનું શરૂ કર્યું. પોતાની પાસેનું જ્ઞાન બીજાને શીખવવાનું શરૂ કર્યું. લોકો હવે તેમને આચાર્ય કણાદ તરીકે ઓળખવા લાગ્યા. આચાર્યનો અર્થ થાય શિક્ષક. તેમના નામનો અર્થ થતો હતો નાના નાના કણોનો શિક્ષક. 

એક વાર કણાદ ચોખાનું  બનેલ  ભોજન લઇને ચાલતા હતા, ત્યારે તેમણે ખોરાકદાણાનું  વિભાજન કરવા લાગ્યા. છેવટે એક સૂક્ષ્મ કણો વધ્યો, જેનું વિભાજન કરવું શક્ય નહોતું. આ ક્ષણથી આચાર્ય કણાદે, એવા કણની કલ્પના કરી, જેને વધુ વિભાજિત કરી શકાય તેમ ન હતો. આ અવિભાજ્ય પદાર્થને તેઓ અણુ તરીકે સંબોધવા લાગ્યા.  જોકે આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં પરમાણુ અને અણુ બંનેની વ્યાખ્યા અલગ અલગ છે. આચાર્ય કણાદે પ્રસ્તાવ મૂક્યો હતો કે “ પદાર્થનો અતિસુક્ષ્મ હિસ્સો જેને અણુ તરીકે ઓળખવામાં આવે છે, તેને મનુષ્ય કોઈપણ માનવઅંગ દ્વારા અનુભવી શકતો નથી. એટલું જ નહીં તેને નરી આંખે નિહાળી શકતો પણ નથી.પદાર્થની સ્વાભાવિક લાક્ષણિકતાથી  પરમાણુ એકબીજા સાથે જોડાય છે. જ્યારે  બે પરમાણુ  જોડાય છે  ત્યારે દ્વિનુકા બને છે. તેમની પાસે  જોડાયેલા પિતૃઅણું જેવી જ  લાક્ષણિકતાઓ હોય છે. 

આ ફિલસૂફીના અનુયાયીઓ આગળ એવું માનતા હતા કે સમાન પદાર્થના અણુઓ એકબીજા સાથે જોડાઈને દ્વ્યાનુકા (દ્વિ-પરમાણુ પરમાણુઓ) અને ત્રીનુકા (ત્રિ-પરમાણુ પરમાણુ) ઉત્પન્ન કરે છે. આચાર્ય કણાદે સમજાવ્યું કે પૃથ્વી પર વિદ્યામાન અલગ-અલગ પદાર્થ, અલગ અલગ પ્રકારના અણુઓના સંયોજન દ્વારા બન્યો છે.  તેમણે એ વાત પણ સમજાવી કે ગરમી એટલે કે ઉષ્માની હાજરીમાં, પદાર્થમાં રાસાયણિક ફેરફાર કરી શકાય છે. ગરમીને  ઉપયોગમાં લઈને વિવિધ અણુઓને જોડી શકાય છે. આ ઘટના માટે ઉદાહરણ તરીકે તેમણે માટીના વાસણને પકાવવામાં આવે ત્યારે કાળા પડી જાય છે, અને ફળ પાકે છે ત્યારે તેનો રંગ બદલાય છે. તેના ઉદાહરણ આપ્યા હતા. આચાર્ય કણાદે 'જીવન'ને ​​અણુઓ અને પરમાણુઓના સંગઠિત સ્વરૂપ તરીકે અને 'મૃત્યુ'ને તે અણુઓ અને અણુઓના અસંગઠિત સ્વરૂપ તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું.

આચાર્ય કણાદે પોતાના જ્ઞાન અને દર્શન શિષ્યોને આપવા માટે એક નવી શાખાની સ્થાપના કરી હતી. જેને  વૈશેષિક શાળા કહે છે.  વૈશેષિકદર્શનમાં  તેમણે અણુ અને બ્રહ્માંડની પ્રકૃતિ વિશે પોતાના ખ્યાલો રજૂ કર્યા છે.  તેમના સમય કાળમાં તેમણે પોતાના સંશોધનોને લાગતો ગ્રંથ લખ્યો હતો.જેનું નામ વૈશેષિક દર્શન હતું. મહર્ષિ કણાદ રચિત વૈશેષિકસૂત્રને  વૈશેષિક દર્શનના પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે. 10 અધ્યાય વાળા ગ્રંથનું નિર્માણ 10 દિવસમાં થયું હોવાનું અનુમાન છે. એક દંતકથા પ્રમાણે  ભગવાન શિવે ઉલુકનું સ્વરૂપ લઈને તેમને વૈશેષિક દર્શનનું જ્ઞાન આપ્યું હતું. આ કારણસર તેમના દર્શનને “ઔલુક્ય દર્શન” પણ કહે છે. તેમના કાર્યને કારણે તેઓ અણુ સિદ્ધાંતના પિતા તરીકે જાણીતા બન્યા હતા. અણુ સિદ્ધાંતની ચર્ચા કરતી વખતે, તેમણે બ્રહ્માંડને સાત શ્રેણી વડે વ્યાખ્યાયિત કર્યું હતું. તેમના મત પ્રમાણે બ્રહ્માંડની વ્યાખ્યામાં, નીચેની ૭ શ્રેણી/ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હતા. 


  1. દ્રવ્ય (matter)

  2.  ગુણ (quality)

  3.  કર્મ (action)

  4.  સામાન્ય (Generic species)

  5. વિશેષ ( Unique trait)

  6. સમન્વય (Combination) 

  7. અભાવ (Non-existence)

આચાર્ય કણાદે વધારે સ્પષ્ટતા કરવા માટે તેમણે  દ્રવ્યને નવ અલગ અલગ પ્રકારમાં વહેંચણી કરી હતી.  આધુનિક  વિચારધારા પ્રમાણે  તેમાં  પદાર્થની અવસ્થા ઉપરાંત, પદાર્થ સાથે સંકળાયેલ  ગુણધર્મનો સમાવેશ પણ કર્યો હતો. કણાદ દ્વારા દર્શાવવામાં આવેલ  દ્રવ્ય (matter)ને નવ અલગ અલગ પ્રકારની શ્રેણી/ વિભાગમાં વહેંચ્યા હતા. 

  1. પૃથ્વી ( ઘન પદાર્થ)

  2.  જળ ( પ્રવાહી પદાર્થ)

  3.  વાયુ ( વાયુ પદાર્થ)

  4.  તેજ ( પ્રકાશ- Light) (આજે આપણે જોઇએ છીએ કે બ્રહ્માંડ ની શરૂઆતમાં અલગ-અલગ પ્રકારના  સાહેબ તમે પાર્ટિકલ્સ ભેગા થાય છે ત્યારે,  પ્રથમવાર પ્રકાશ નું સર્જન થાય છે. )

  5.  આકાશ (ઈથર)

  6.  દિક (  દિશા / અવકાશ પરિમાણ)

  7.  કળા ( સમય ) ( આધુનિક વિજ્ઞાનમાં આઈન્સ્ટાઈનને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે સ્પેસ ટાઈમનો કન્સેપ્ટ આપ્યો છે. તેને આચાર્ય કણાદે અલગ અલગ સ્વરૂપે, એટલે કે  દિક અને કળા તરીકે ઓળખાવ્યા છે.

ઉપરોક્ત  ૭ શ્રેણીને  મનુષ્ય પોતાની ઇન્દ્રિય દ્વારા જાણી શકે છે.  મનુષ્ય બ્રહ્માંડની જે અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા સમજી શકતો નથી, તેવી લાક્ષણિકતાને આચાર્ય કણાદે  આઠ અને નવમા સ્વરૂપે  દર્શાવેલ છે. 

  1.  મનસ (મન/mind)

  2. આત્મા (soul) 

આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતીય સિદ્ધાંતોને  સાબિત કરવા માટે તે સમયે પ્રયોગમુલક આધાર લેવામાં આવતો ન હતો. તે જ કારણસર આચાર્ય કણાદના પરમાણુ સિદ્ધાંતમાં પ્રયોગમુલક આધારનો અભાવ છે.  આ એક માત્ર કારણસર તેમના સિદ્ધાંતોને અવગણી શકાય નહીં. અનુભવી ઓસ્ટ્રેલિયન ઇન્ડોલોજીસ્ટ એ.એલ. બાશમના શબ્દોના શબ્દોમાં કહીએ તો, “ આચાર્ય કણાદે વિશ્વનની ભૌતિક રચનાને સમજાવવા માટે, ખૂબ જ તેજસ્વી બૌદ્ધિક કલ્પનાશીલતા સાથેની સમજૂતી રજૂ કરી હતી. જે મોટા પ્રમાણમાં આધુનિક ભૌતિકશાસ્ત્રની શોધો સાથે સામ્યતા ધરાવે છે.”  વિજ્ઞાન લેખક દિલીપ એમ. સાલ્વીના જણાવ્યા મુજબ, "આચાર્ય કણાદના સૂત્રોનું વિશ્લેષણ કરવામાં આવે તો, જાણવા મળશે કે તેમનો અણુ સિદ્ધાંત ગ્રીક ફિલસૂફો, લ્યુસિપસ અને ડેમોક્રિટસ દ્વારા રજુ કરવામાં આવેલ સિદ્ધાંતો કરતાં વધુ અદ્યતન આધુનિક હતો." પ્રખ્યાત ઈતિહાસકાર, ટી.એન. કોલબ્રુકે કહ્યું છેકે, "યુરોપના વૈજ્ઞાનિકોની સરખામણીમાં, આચાર્ય કણાદ અને અન્ય ભારતીય વૈજ્ઞાનિકો આ ક્ષેત્રના વૈશ્વિક માસ્ટર હતા.”

21 Lessons for the 21st Century નામના પુસ્તકના બારમા પ્રકરણ “humility / નમ્રતા”માં  લેખક યુવલ નોહ હરારી નોંધે છેકે “એરોપ્લેન અને ન્યુક્લિયર બોમ્બની શોધ ભારતીય ઉપખંડમાં  પ્રાચીન  ઋષિ દ્વારા કરવામાં આવી હતી. તમને ખબર છે મહર્ષિ ભારદ્વાજ દ્વારા રોકેટ અને એરોપ્લેનની શોધ થઈ હતી. મહર્ષિ વિશ્વામિત્રે મિસાઈલની શોધ કરી હતી, એટલું જ નહીં તેનો ઉપયોગ પણ કર્યો હતો.આચાર્ય કણાદ  ફાધર ઓફ એટમિક થિયરી તરીકે જાણીતા હતા. અને … મહાભારતમાં પરમાણુ શસ્ત્રોનું વર્ણન છે?” 

માઈન્ડ  એન્ડ  મેટર પુસ્તકની પ્રસ્તાવનામાં સુભાસ કાક, આચાર્ય કણાદના વૈશેષિક દર્શન વિશે નોંધે છેકે “  ન્યાય અને વૈશેષિક દર્શનમાં માનવીનું મન ખાલી સ્લેટ જેવું નથી. મનનું બંધારણ જ, વિશ્વની પ્રકૃતિનું થોડું જ્ઞાન પ્રદાન કરે છે. જેમાં પ્રત્યક્ષ અનુમાન, અનુમાન, સામ્યતા અને મૌખિક જુબાની જેવા ચાર પ્રમાણ દ્વારા સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.  વૈશેષિક દર્શનના મારા અધ્યયનમાં મને ખાતરી થઈ ગઈ છેકે, “આઇઝેક ન્યૂટન કરતા સૌથી પહેલા મહાન નેચરલ ફિલોસોફર આચાર્ય કણાદ હતા. તેમણે જે વિચાર્યું છે, તેમાં  ઊંડાઈ સિવાય બીજું કાંઈ જ નથી. ભૌતિક નિયમોમાં તેઓ સમપ્રમાણતા એટલે કે સિમેટ્રીનો આશરો લે છે. તેઓ કાર્યકારણને સ્પષ્ટ કરે છે. જેમાં તેમની અપેક્ષા ન્યૂટનની ગતિના નિયમો જેવી જ છે. તેમણે એવી એક અસાધારણ ઔપચારિક સિસ્ટમ બનાવી છે, જેમાં અવકાશ સમય, દ્રવ્ય અને નિરીક્ષણોનો સમાવેશ થાય છે. વ્યક્તિલક્ષી અનુભવ એટલે કે ગુણવત્તા કેવી રીતે ઉત્પન્ન થાય છે? તે સમજાવે છે. દુર્ભાગ્યે વૈશેષિક-સૂત્રનો કોઈ વૈજ્ઞાનીક અભ્યાસ થયો નથી, જેના આધારે ભૌતિકશાસ્ત્રની સામગ્રીનું અન્વેષણ થઈ શકે. વૈશેષિક-દર્શન ઉપરનું છેલ્લું ભાસ્ય 15મી સદીમાં  શંકર મિશ્રા દ્વારા લખવામાં આવ્યું હતું. ૧૯૧૫માં બ્રજેન્દ્રનાથ સીલ કે જેમણે ભારતીય ભૌતિકશાસ્ત્રનો સામાન્ય સારાંશ લખ્યો હતો, તેમણે શંકર મિશ્રાને વ્યાપકપણે ટાંક્યા હતા. તાજેતરના વૈશેષિક અભ્યાસોએ ભૌતિકશાસ્ત્રીઓને બદલે ફિલસૂફોના રસના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે.” (જેના કારણે નિષ્ણાતો ગ્રંથને મેટાફિઝિકલ માને છે.) “

પશ્ચિમ જગતમાં, ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક તત્વચિંતક લ્યુસિપસ અને ડેમોક્રિટસ દ્વારા અણુવાદનો ઉદ્ભવ કરવામાં આવ્યો હતો. તેમણે આપેલ  અણુવાદ ઉપર ભારતીય સભ્યતાની અસર હતી? કે તેમણે સ્વતંત્ર રીતે અણુવાદ રજૂ કર્યો હતો? એ આજની તારીખે વિવાદનો મુદ્દો છે. 


3 comments:

  1. અદ્દભુત..! માહિતીપ્રદ વિચારપ્રેરક લેખ.

    ReplyDelete
  2. આભાર. મિત્રો સાથે શેર કરજો.

    ReplyDelete