Monday 19 February 2024

અયોધ્યા: આર્કિયોલોજીના પુરાવાઓ શું કહે છે?



મનુષ્યના ભૂતકાળને આપણે ઇતિહાસ જેવું રૂપાળું નામ આપેલ છે. હજારો વર્ષના પ્રાચીન ઇતિહાસને સમજવા માટે, પ્રાચીન ગ્રંથના સંદર્ભ અને પુરાતત્વવિદ્યા એટલે કે આર્કિયોલોજી ઉપયોગી બને છે. આર્કિયોલોજી વિજ્ઞાનની જ એક શાખા છે. જેનો અભ્યાસ કરવા માટે પ્રાણીશાસ્ત્રથી લઇ નૃવંશશાસ્ત્ર, વનસ્પતિ વિજ્ઞાન રસાયણશાસ્ત્ર સુધીનું જ્ઞાન હોવું જરૂરી છે. માનવ ઇતિહાસને સમજવા માટે, ચોક્કસ કાલખંડનો અભ્યાસ પણ જરૂરી છે. ભૂતકાળમાં દ્રષ્ટિપાત કરીએ ત્યારે આપણે અનોખા પ્રકારની ટાઈમ ટ્રાવેલ કરી રહ્યા હોય તેવો રોમાન્સ પેદા થાય છે. પ્રાચીન ગ્રંથ રામાયણ અને મહાભારત, વૈદિક સંસ્કૃતિના દસ્તાવેજો છે. જે તે સમયની સભ્યતા અને સંસ્કૃતિના પરોક્ષ ઇતિહાસ જેવા છે. તેની સત્યતા ચકાસવા માટે કેટલાક લોકો, પુરાતત્વ વિદ્યાનો સહારો લેતા હોય છે. જેમ ન્યાયાલય પુરાવાઓ અને સાબિતીઓ ઉપર પોતાનો ચુકાદો આપતા હોય છે. તેમ વિજ્ઞાન પણ પુરાવાઓ અને સાબિતીઓનો આધાર લઈ સમસ્યાના ઉકેલનું કામ કરતું હોય છે. પ્રાચીન અયોધ્યાને શોધવા માટે પુરાતત્વવિદોએ અનેક વાર પ્રયત્ન કર્યા છે. રામ જન્મભૂમિ અને અયોધ્યાના મામલે આર્કિયોલોજી શું કહે છે? તેના ઉપર એક વિહંગ દ્રષ્ટિપાત કરી લઈએ.

અયોધ્યા: ઇતિહાસના પડદા પાછળ

1838થી જ રામ જન્મભૂમિનો પ્રશ્ન, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંગ્રેજ અફસરોને સતાવતો હતો. 1860માં બંગાળ સિવિલ સર્વિસના બ્રિટીશ ઓફિસર પી. કારનેગીએ પોતાના અહેવાલમાં લખ્યું હતું કે “1528માં બાબરે અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેના હુકમના કારણે મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. મંદિરના સ્થાને મસ્જિદ ઊભી કરવામાં આવી હતી. જેને સ્થાનિક પ્રજાએ બાબરી મસ્જિદ નામ આપ્યું હતું. મંદિરના તૂટેલા કાટમાળમાંથી કેટલાક સ્તંભનો ઉપયોગ મસ્જિદ બનાવવામાં કરવામાં આવ્યો હતો.” કારનેગીએ પોતાના રિપોર્ટમાં એ પણ નોંધ્યું હતું કે “ હિન્દુઓના મંદિર તોડવા અને તેના ઉપર મસ્જિદ બાંધવીએ મુસ્લિમ આક્રમણખોરોનો પ્રાથમિક સિદ્ધાંત રહ્યો છે. એટલું જ નહીં જીતેલી પ્રજા ઉપર તેમનો ધર્મ થોપી દેવામાં આવતો હતો.” અહીં એક મુદ્દો યાદ રાખવા લાયક છે. મોટાભાગે ઈસ્ટ ઈન્ડિયા શાસન કાળ દરમિયાન, અંગ્રેજ અફસર બ્રિટિશ શાસનને અનુરૂપ થાય, તેવા રિપોર્ટ નોંધતા આવ્યા છે. તેમની “ભાગલા પાડો અને રાજ કરો નીતિ”ના આધારે તેઓ હિન્દુસ્તાનમાં ટકી જવા માંગતા હતા. ભવિષ્યમા બ્રિટિશ અમલદારોની નીતિના કારણે, રામ જન્મભૂમીનો મુદ્દો વધારે સેન્સેટિવ બનવાનો હતો.

હિન્દૂ-મુસ્લિમ વચ્ચે રામ જન્મભૂમિ મેળવવા માટે પ્રથમ લોહિયાળ જંગ 1853-55 વચ્ચે શરૂ થયો હતો. આ ઘટનાના પાંચ સાત વર્ષ બાદ, ભારતમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના 1861માં અંગ્રેજ અફસર એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા કરવામાં આવી હતી. જેઓ તેના પ્રથમ ડિરેક્ટર જનરલ પણ બન્યા હતા. ઉપખંડના ઇતિહાસમાં સૌપ્રથમ પદ્ધતિસરનું સંશોધન એશિયાટિક સોસાયટી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેની સ્થાપના બ્રિટિશ ઈન્ડોલોજિસ્ટ સર વિલિયમ જોન્સ દ્વારા 15 જાન્યુઆરી 1784ના રોજ કરવામાં આવી હતી. કલકત્તા સ્થિત, સોસાયટીએ પ્રાચીન સંસ્કૃત અને ફારસી ગ્રંથોના અભ્યાસને પ્રોત્સાહન આપ્યું અને વાર્ષિક જર્નલ પણ પ્રકાશિત કરતા હતા. એશિયાટિક સોસાયટીના કેટલાક સભ્ય આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના સભ્ય પણ હતા. 1862-63માં એલેક્ઝાન્ડર કનિંગહામે અયોધ્યાના સર્વેક્ષણનું પ્રથમ કાર્ય કર્યું હતું. ત્યારબાદ 1889-91માં, એલોઈસ એન્ટોન ફુહરરની આગેવાની હેઠળ ASI ટીમે અયોધ્યાનો બીજો સર્વે હાથ ધર્યો હતો.

એલોઈસ એન્ટોન ફુહરર: જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

ગુજરાતીમાં કહેવત છે - જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એલોઈસ એન્ટોન ફુહરર એક જર્મન ઈન્ડોલોજિસ્ટ હતા. જેમણે ભારતના પુરાતત્વ સર્વેક્ષણ માટે કામ કર્યું હતું. તેમના અભ્યાસનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ હતો. તેઓ પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપત્યની શોધખોળ કરતા હતા. તેમની દ્રષ્ટિ બૌદ્ધ ધર્મથી રંગાયેલ હોવાથી, બૌદ્ધ ધર્મનો ઇતિહાસ અને સૃષ્ટિ તેમને વધુ દેખાતી હતી. તેમને હિન્દૂ સભ્યતાં કોઈ અવશેષ અયોધ્યામાં જોયા ના હતા. અયોધ્યાના સ્થળે તેમણે અનિયમિત તૂટેલા ખંડેરના ઢગલાઓ જોવા મળ્યા હતા. મસ્જિદ રચના બાદ વધેલા ભંગારના ટેકરાઓ પણ હતા. તેમને જે પ્રાચીન બાંધકામના માટીના ઢગલા જોવા મળ્યા તે સ્થળ, મણીપર્વત, કુબેર પર્વત અને સુગ્રીવ પર્વત તરીકે જાણીતા હતા. જેના ઉપરથી એલેક્ઝાન્ડર કનિંગહામે શોધી કાઢ્યું કે “ ચીની મુસાફર હ્યુ એન સાંગના લખાણમાં આ ત્રણેય સ્થળનો ઉલ્લેખ છે.

આ બંને અંગ્રેજો માનતા હતા કે રામાયણકાલીન પ્રાચીન અયોધ્યા નગરી, કૌશલ નરેશ બૃહદબલાના મૃત્યુ બાદ ( ઈસવીસન પૂર્વે 1426માં) નાશ પામી હતી. (બૃહદબલાનો ઉલ્લેખમાં મહાભારતમાં થયેલો જોવા મળે છે. બૃહદબલા મહાભારતમાં યુદ્ધમાં કૌરવો તરફથી યુદ્ધ લડ્યો હતો. અભિમન્યુએ તેનો વધ કર્યો હતો.) ત્યારબાદ અયોધ્યામાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ફેલાવો પણ થયો. જૈન ધર્મના 24 તીર્થંકરો છે. પ્રથમ પાંચમાંથી ચાર (ત્રીજા તીર્થંકર સંભવનાથ સિવાયના)તીર્થંકરનો જન્મ અયોધ્યામાં થયો હતો. મુસ્લિમ વિચારો પ્રમાણે આદમના પુત્ર “શેઠ”નું દફનસ્થાન પણ અયોધ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. 1881માં ભગવાન આદિનાથને સમર્પિત શ્વેતાંબર જૈન મંદિર બાંધવાની શરૂઆત થઈ હતી.
એલોઈસ એન્ટોન ફુહરર નોંધે છે કે “ મુસ્લિમ આક્રમણ પહેલા અયોધ્યામાં ત્રણ મહત્વના મંદિરો હતા, રામ જન્મભૂમિ, સ્વર્ગ દ્વાર અને ત્રેતા કે ઠાકુર.” ફુહરરની માહિતી પ્રમાણે 1523માં મીર ખાન દ્વારા બાબરી મસ્જિદ બાંધવામાં આવી હતી. મંદિરના કેટલાક સ્તંભનો ઉપયોગનો ઉપયોગ મસ્જિદ બાંધવા માટે કરવામાં આવ્યો હતો. જેમાંના કેટલાક સ્તંભ બ્લેક સ્ટોન ના બનેલા હતા. જેને સ્થાનિક લોકો કસોટી તરીકે ઓળખતા હતા.” ઔરંગઝેબ દ્વારા સ્વર્ગદ્વાર અને ત્રેતા કે ઠાકુર મંદિર સ્થાને મસ્જિદ બાંધવામાં આવી હતી. ત્રેતા કે ઠાકુર મંદિર પાસેના ખોદકામમાંથી કનોજના જયચંદ્રના સમયનો શિલાલેખ મળી આવ્યો હતો. જે વિક્રમ સંવત 1241 (ઈ.સ.1185માં તૈયાર કરવામાં આવ્યો હતો. જે હાલમાં ફૈઝાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. ત્યારબાદ ભારત આઝાદ થયું ત્યાં સુધી, અયોધ્યામાં પુરાતત્વ સર્વેક્ષણ થયું હોવાના કોઈ સંદર્ભ કે નોંધ મળતી નથી.

આર્કિઓલોજિ ઓફ અયોધ્યા: આધુનિક ખોદકામ


બનારસ હિન્દુ યુનિવર્સિટીના અવધ કિશોર નારાયણે 1969-70 દરમિયાન અયોધ્યામાં ખોદકામનું નેતૃત્વ કર્યું હતું. તેમણે નોંધ્યું છે કે અયોધ્યાની સ્થાપના ઈ.સ.પૂર્વે 17મી સદીની શરૂઆતમાં થઈ હતી. તેમના અવલોકનમાં, આ વિસ્તારમાં મજબૂત જૈનો સ્થાપત્યની હાજરીના પુરાવા પણ મળ્યા હતા. વિશાળ પરિપક્ષમાં અયોધ્યાનું આધુનિક પુરાતત્વ સર્વેક્ષણ 1975-76માં કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણનું નેતૃત્વ બ્રિજ બાસી લાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે “આર્કિઓલોજિ ઓફ અયોધ્યા” પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. અયોધ્યા સાથે સંકળાયેલા પાંચ સ્થળોએ તેમણે ખોદકામ કરાવ્યું હતું. જેમાં અયોધ્યા, ભારદ્વાજ આશ્રમ, નંદીગ્રામ, ચિત્રકૂટ અને શૃંગવેરપુરનો સમાવેશ થતો હતો. આ સ્થળો ઉપર કુલ 15 જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે ભારતની રાજકીય પરિસ્થિતિ ડામાડોળ હતી. બી.બી. લાલના અનુરોધ કરવા છતાં પણ ફાઈનલ રિપોર્ટ ક્યારેય રજૂ થયો ન હતો. તેમના શંશોધનના આધારે તેઓએ ‘Rama, His Historicity, Mandir and Setu: Evidence of Literature, Archaeology and Other Stories’ પુસ્તક લખ્યું છે. બી. બી. લાલે 20થી વધુ પુસ્તકો અને 150થી વધુ સંશોધન પત્રો અને લેખો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિકોમાં પ્રકાશિત કર્યા છે. 1950ના દાયકામાં થયેલા આર્કિયોલોજી સર્વે વિશે બ્રિટિશ પુરાતત્વવિદો સ્ટુઅર્ટ પિગોટ અને ડી.એચ. ગોર્ડન નોંધે છે “ બી. બી. લાલની બે કૃતિઓ, કોપર હોર્ડ્સ ઓફ ધ ગંગેટિક બેસિન (1950) અને હસ્તિનાપુરા ઉત્ખનન અહેવાલ (1954-1955),જે જર્નલ ઓફ ધ આર્કિયોલોજીકલ ઓફ ઈન્ડિયા સર્વેમાં પ્રકાશિત થઈ હતી, એ સંશોધન અને ઉત્ખનન અહેવાલના સર્વોત્તમ (મૉડેલરૂપ) નમૂનાઓ છે”
એક દાયકા બાદ અયોધ્યા અને રામ જન્મભૂમિ રાજકીય મુદ્દો બની ગયો અને વિવાદાસ્પદ વાતાવરણનું સર્જન થયું. 1992માં કાર સેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે, તૂટેલા કાટમાળમાંથી પથ્થર ઉપર કોતરેલા ત્રણ શિલાલેખ મળી આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો શિલાલેખ, “વિષ્ણુ હરિ શિલાલેખ” નામે ઓળખાય છે. જેનું કદ 1.10 x 0.56 મીટરનું છે. એના ઉપર 20 લીટીમાં લખાણ કોતરેલું છે. શિલાલેખ ઈસવીસન 1140માં તૈયાર હોવાના પ્રાથમિક અનુમાન કરવામાં આવે છે. શિલાલેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર" (ભગવાન) વિષ્ણુ, બાલીનો વધ કરનાર અને દસ માથાવાળા (રાવણનો વધ કરનારને)"ને સમર્પિત કરવામાં આવે છે. શિલાલેખ સંસ્કૃત ભાષાની નાગરી લિપિમાં લખાયેલ છે. વિશ્વ કક્ષાના એપિગ્રાફિસ્ટ્સ અને સંસ્કૃત વિદ્વાનો દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. શિલાલેખ કાવ્યાત્મક શૈલીમાં લખવામાં આવેલ છે. જેમાંનો કેટલોક ભાગ ગદ્યમાં પણ છે.

કોર્ટના આદેશથી થયેલ ખોદકામ

2003માં અલ્હાબાદ હાઈકોર્ટમાં આપેલા નિવેદનમાં, બી. બી.લાલે જણાવ્યું હતું કે તેમણે 1989માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સાત પાનાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં અયોધ્યામાં બાબરી મસ્જિદના માળખાની દક્ષિણે "પાયાના સ્તંભ અને અન્ય શિખર જેવી રચનાઓની” શોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.” કોઈક કારણોસર તેમના પ્રોજેક્ટને આપવામાં આવતી તમામ ટેકનિકલ સવલતો પાછી ખેંચી લેવામાં આવી હતી. તેમની વારંવારની વિનંતી છતાં પ્રોજેક્ટને બીજા 10-12 વર્ષ સુધી પુનઃજીવિત કરવામાં આવ્યો ન હતો. છેવટે રામ જન્મભૂમિનો મુદ્દો અત્યંત સંવેદનશીલ અને વિવાદાસ્પદ બન્યો ત્યારે, આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે, કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ સ્થળ ઉપર પુરાતત્વ સર્વેક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ સ્થળે ખોદકામ કરતાં પહેલાં, દિલ્હી સ્થિત તોજો- વિકાસ ઇન્ટરનેશનલ” દ્વારા ગ્રાઉન્ડ પેનિટ્રેટીંગ રડાર વડે ભૂમિનો આર્કિઓલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. 2003માં જીપીઆર સર્વેનો જે રિપોર્ટ, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે “ સ્થળ ઉપર 184 સ્થાન ઉપર, બાંધકામના પાયા, દિવાલ, ફ્લોરીંગ અને સ્તંભ હોવાની શક્યતાઓ રહેલી છે.” જેના અનુસંધાનમાં કોર્ટ દ્વારા આ સ્થળ ઉપર ખોદકામ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદની જગ્યાનું ખોદકામ કર્યું હતું. પુરાતત્વવિદોએ બાબરી મસ્જિદ સ્થળે, મસ્જિદની રચના કરતાં પણ પ્રાચીન હોય તેવા બાંધકામ અને મોટી રચનાના સંકેતો પણ આપ્યા હતા. ખોદકામમાં 52 મુસ્લિમો સહિત 131 મજૂરોની ટીમ ખોદકામમાં રોકાયેલી હતી. 11 જૂન 2003ના રોજ એએસઆઈએ એક વચગાળાનો અહેવાલ બહાર પાડ્યો હતો. ઓગસ્ટ 2003માં એએસઆઈએ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચને 574 પાનાનો અંતિમ અહેવાલ સોંપ્યો હતો. આ અહેવાલ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. અહેવાલના આધારે જ રામજન્મ ભૂમિ કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સ્થળ સંકોચના કારણે તેનો સમાવેશ અહીં કર્યો નથી. રજૂ થયેલા રિપોર્ટ સામે વાંધો ઉઠાવી, વિજ્ઞાન જર્નલ “આર્કિયોલોજી”ના જુલાઈ ઓગસ્ટ 2004ના અંકમાં લેખ લખવામાં આવ્યો હતો. જેની લેખિકા ક્રિસ્ટિન એમ. રોમી હતી. આ વિવાદસ્પદ રજૂઆતના પડદા પાછળ કોનો દોરી સંચાર હશે? એ વાત ચાલાક વાચકો સમજી શકે છે.