Sunday, 15 September 2024

ભારતીય મેગાલિથિક માનવી, ખરેખર કોણ હતા?


શું તમને લાગે છે કે પરગ્રહ વાસીએ ક્યારેય પૃથ્વી ઉપર આવીને ઉતર્યા હતા? ? શું કદાવર પિરામિડ, યુરોપમાં દેખાતા રહસ્યમય પાક વર્તુળો ( ક્રોપ સર્કલ્સ), ઈન્કા સંસ્કૃતિ, એસ્ટરની વિશાળ મૂર્તિઓ અને ઈંગ્લેન્ડના પ્રચંડ દેખાતા સ્ટોનહેંજ તેમના દ્વારા બનાવવામાં આવ્યા હતા? આવું આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. કારણકે જ્યારે ઇતિહાસ લખવાની શરૂઆત નહોતી થઈ! તે સમયે વિશાળકાય પથ્થરો વડે સ્થાપત્ય ઊભું કરવું મુશ્કેલ વાત ગણાય છે? ટેકનોલોજીના વિકાસ બાદ, આધુનિક ઇજનેરોએ પણ, પિરામિડ જેવા વિશાળકાય સ્મારક ઊભા કરવા હોય તો, નાકે દમ આવી જાય. તો પછી જ્યારે ટેકનોલોજી નો વિકાસ થયો નહોતો, ત્યારે માનવીએ આવા સ્મારક કેવી રીતે ઉભા કર્યા? પૃથ્વી ઉપર પથરાયેલા આવા અસંખ્ય સ્થાપત્ય અને અજાયબી માનવીને આશ્ચર્યમાં મૂકી દે છે! આધુનિક ટેકનોલોજીની ગેરહાજરીમાં, માનવીના પ્રયત્નોનું પરિણામ આપણી નજર સામે છે. જે લગભગ અશક્ય જેવું લાગે. રહસ્યમય પણ લાગે? આવા રહસ્ય ઉકેલવા માટે આપણે પુરાતત્વવિદોની મદદ વડે ઊંડું (શાબ્દિક રીતે) ખોદકામ કરીએ છીએ, પરિણામે આપણે આપણા રહસ્યમય ભૂતકાળના આશ્ચર્યજનક જવાબો જાહેર કરવા માટે કેટલીક કડીઓ શોધી શકીએ છીએ.

મેગા સ્ટોન સર્કલ: સ્મશાનભૂમિમાં શું સામ્ય છે?

ઇંગ્લેન્ડમાં આવેલ સ્ટોનહેંજ એ એવું જ એક આકર્ષક સ્મારક છે. જેમાં 13 વિશાળ પત્થરો (13 ફૂટ ઊંચા, 7 ફૂટ પહોળા) એક વર્તુળમાં ઊભા છે, જે અનિવાર્યપણે સંસ્કૃતિના નિયોલિથિક અને કાંસ્ય યુગના દફનભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે. આ બધું ખરેખર અદ્ભુત છે, પરંતુ તેને આપણા દેશ ભારત અને મહારાષ્ટ્રમાં આવેલ પૂણે શહેર સાથે શું લેવાદેવા છે? શું તમે જાણો છો કે ઈંગ્લેન્ડના સ્ટોનહેંજ અને પુણે ખાતે આવેલ મેગા સ્ટોન સર્કલ સ્મશાનભૂમિમાં શું સામ્ય છે? ભારતીય ઉપખંડમાં પ્રાચીનકાળમાં વસનાર મેગાલિથિક મેન-લોકો વિશાળ પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં બહુ પાછળ નહોતા. તેમણે સ્ટોનહેંજ જેવીજ રચના પૂણેના ભોસારીના ઉપનગરમાં વિશાલ પથ્થરો દ્વારા બનેલ સ્મશાન ભૂમિ જેવી નિશાની છોડી છે. 1885માં જ્યારે ગેઝેટિયર ઓફ બોમ્બે પ્રેસિડેન્સીના બ્રિટિશ લેખકોએ પુણેના ઈતિહાસ વિશે લખ્યું ત્યારે, તેઓ આ ભેદી મનુષ્યો તેમજ પુણેની આસપાસના તેમના અવશેષોથી અજાણ હતા. પરંતુ આધુનિક યુગમાં, કેટલાક વિદ્વાનો અને આર્કિયોલોજીસ્ટોએ, ભારતીય ઇતિહાસના ખોવાયેલા પ્રકરણોને શોધી કાઢવાનો સુંદર પ્રયાસ કરેલ છે. જેમાં હિન્દુસ્તાનમાં વસનાર મેગાલિથિક સિવિલાઈઝેશન અને તેની સાથે સંકળાયેલા લોકોની માહિતી મેળવી, એક રહસ્યમય પઝલ જેવા ઉખાણાનો ભેદ, ઉકેલવાના પ્રયત્નો તેજ કરી દીધા છે.

મેગાલિથિક સંસ્કૃતિની પૂર્વધારણા સૂચવે છે કે મેગાલિથ્સ જેમ કે ગીઝાના પિરામિડ, સ્ટોનહેંજ અને સમગ્ર વિશ્વમાં અન્ય મેગાલિથિક બંધારણો, લોકોના સામાન્ય જૂથ અથવા સંસ્કૃતિ દ્વારા નિયોલિથિક સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા. એલેક્ઝાન્ડર થોમએ આવી રચના કરનાર - રચનાકાર એટલે કે બિલ્ડરોનો ઉલ્લેખ મેગાલિથિક માણસ તરીકે કર્યો હતો. આ પૂર્વધારણા મેગાલિથિક મેટ્રોલોજીમાં મળેલા ચોક્કસ માપ પર આધારિત છે, જે લગભગ તમામ જાણીતા મેગાલિથ્સ માટે જોવા મળે છે. આ પૂર્વધારણા વિજ્ઞાન જગતના મુખ્ય પ્રવાહના કેટલાક સિદ્ધાંતોને પડકારે છે. આ કારણે જ પોતાને આધુનિક ગણાવતા કેટલાક વૈજ્ઞાનિક સમુદાયો, મેગાલિથિક સંસ્કૃતિ માટેના સંશોધનને સ્યુડો-સાયન્ટિફિક માને છે. વિજ્ઞાન જગત અને વિજ્ઞાનીઓ માટે મહત્વની વાત એ છે કે પોતાની માન્યતા કે ધારણાને વળગી રહેવા કરતા, સત્યની શોધ કરવાનો ધ્યેય, તેમની પ્રાથમિકતા બનવો જોઈએ. પ્રવર્તમાન સિદ્ધાંતોને પડકાર ફેકનાર પૂર્વધારણાઓ ઉપર પણ સંશોધન થવું જોઈએ. હિન્દુસ્તાનનો મેગાલિથિક માનવી પણ, આવા જ એક રહસ્યમય સમયકાળમાંથી આવે છે. હિન્દુસ્તાનમાં અનેક ઠેકાણે તેમણે રચેલા, પથ્થરના સ્મારકો જોવા મળે છે.

પુનાની નજીક આવેલ ભોસારી: પ્રોટો- ઐતિહાસિક અવશેષો

પુનાની નજીક આવેલ ભોસારી એક પ્રાચીન સભ્યતા અને જૂની વસાહત ધરાવતું સ્થળ છે. સ્થાનિક લોકોની દંત કથાઓ અને યાદદાસ્ત મુજબ, ભોસારી એ ભોજપુર તરીકે ઓળખાતી જૂની વસાહત છે અને તેની પાસે "કોટ" તરીકે ઓળખાતી કિલ્લેબંધી હતી. જૂના ગામમાં, મધ્યકાલીન અવશેષો મહાદેવ મંદિરના સ્વરૂપમાં, ખંડોબાના મંદિર સાથે, ચેડોબા, મુંજાબા, બાબપૂજી બુવા જેવા લોક દેવતાઓના મંદિરની સાથે સાથે અને કેટલાક હીરોસ્ટોન્સ સ્વરૂપમાં ગોઠવાયેલી રચનાઓ પણ, પથ્થર સ્વરૂપે વિખરાયેલી પડી હતી. 1939માં ડૉ. સાંકલિયા અને તેમની ટીમને પથ્થરની રચનાના નિશાન મળ્યા હતા. જે ઘણી સદીઓ પ્રાચીન માનવામાં આવતા હતા. પ્રોટો- ઐતિહાસિક સમયગાળાના આ અવશેષો, પથ્થરને ઘડીને આકાર આપ્યા વિના જ, પથ્થરના એક વિશાળ વર્તુળમાં ઉભા ગોઠવવામાં આવેલ છે. ઉભા ગોઠવવામાં આવેલ વિશાળ પથ્થરને આરકિયોલોજીસ્ટ “મેનહિર્સ” તરીકે ઓળખે છે. “મેનહિર્સ”માં એક ટટ્ટાર, આશરે ઊંચો ત્રિકોણાકાર ફ્લેટ સ્લેબ દેખાય છે. કેટલીકવાર, મોટા ત્રણ કે ચાર પથ્થરો કાટખૂણે ગોઠવાયેલા હોય છે. જે મથાળેથી કેપિંગ સ્ટોનથી ઢંકાયેલા હોય છે. નિષ્ણાતો તેને "ડોલ્મેન" તરીકે ઓળખે છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે આમાંના કોઈપણ પત્થરોમાં કોઈ છીણીના ચિહ્નો નથી! કે તેમાં પથ્થરોને જોડવા માટે સિમેન્ટિંગ સામગ્રી નથી! આપણને આશ્ચર્યએ વાતનું થાય કે આવા મોટા પથ્થર દૂરથી લાવીને, ચોક્કસ જગ્યાએ કેવી રીતે ખસેડવામાં આવ્યા હતા? તેને ચોક્કસ જગ્યાએ કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા? આ આ પ્રકારની રચનાઓ આકોલોજીસ્ટના મત મુજબ મુજબ પ્રોટો-ઐતિહાસિક દફનસ્થળને દર્શાવે છે. જેને યોગ્ય રીતે "મેગાલિથિક" (મોટા પથ્થરોના) તરીકે ઓળખવામાં આવે છે. આવા બાંધકામની રચના કરનાર માનવીને ઇતિહાસ મેગાલિથિક માનવી તરીકે ઓળખે છે. હિન્દુસ્તાનમાંથી મળેલ આ સભ્યતાના કેટલાક પુરાવાઓમાં, મેગાલિથિક માનવીએ બે ધાતુનો ઉપયોગ અથવા મિશ્રધાતુ વાપરવાના પ્રયોગ પણ કર્યા હતા, તેવું જોવા મળે છે. તાંબાના હાથા અને લોખંડના ફણાવાળા જમૈયા મહારાષ્ટ્રમાંથી મળ્યા છે.
કલાકૃતિમાં રહેલું કૌશલ્ય

આંધ્રપ્રદેશમાંથી મળેલા ઘંટ તાંબાનો અને અંદરનો ભાગ લોખંડનો બનેલો છે. કેટલાક સ્થાન પર સોનાની વસ્તુઓ મળી આવી છે. સોનીકામમાં પણ તેમની શ્રેષ્ઠતા જોવા મળે છે. સોના અને ચાંદીને મિશ્ર કરી બનતી ઈલેક્ટ્રમ ધાતુકામ પણ સુંદર છે. અહીંના સોની એક મીલીમીટર જેટલો પાતળો વાયર પણ બનાવી શકતા હતા. આ વાયરના ગૂંથેલા આભુષણ પણ મળ્યા છે. તેઓ મણકા બનાવવામાં પણ પારંગત હતા. તેઓ અકીક અને સ્ફટીકમય કિંમતી પથ્થરનાં મણકા બનાવતા. અકીક ઉપર જોઈતી પ્રાણી, પક્ષી કે વૃક્ષની છાપ ઉપસાવતા. દક્ષિણ ભારતના ઘણાં સ્થળોએ મળી આવેલ આવી ભાતભાતની ડિઝાઈનોમાં સમાનતા જોવા મળી છે. હિન્દુસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલ અને પૂર્વ ભાગમાંથી, મેગાલિથિક માનવીનાં બાંધકામ જોવા મળ્યા છે. પરંતુ મહારાષ્ટ્રમાં પુના નજીક મળી આવેલી પ્રાચીન સ્થાપત્ય ની નિશાનીઓ , ઇતિહાસકારને પણ આશ્ચર્યમાં નાખી દે તેવી વાત છે.

એકંદરે, સમગ્ર વિસ્તાર પ્રોટો-ઐતિહાસિક સ્મશાનભૂમિ હોય તેવું લાગતું હતું. મોટાભાગે હિંદુ સભ્યતામાં મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક આદિજાતિના લોકો મૃતકને દફન કરતા હતા. આજે પણ મહાર સમુદાયમાં મૃતકને દફન કરવાની દફનવિધિની પરંપરા, કેટલાક સ્થાનો ઉપર ચાલુ રહી છે. પરંતુ તે લોકો દફન સ્થળને અંકિત કરવા માટે વિશાળ પથ્થરો દ્વારા સ્મારકની રચના કરતા ન હતા? આ સ્થાન ઉપર પ્રાચીન વસાહત અને હિન્દુ ધર્મના મંદિરોનું અસ્તિત્વ , સમસ્યાનો ઉકેલ લાવવા માટે પૂરતું નથી. મેગાલિથિક માનવો અને વર્તમાન વિચરતી આદિજાતિઓ વચ્ચેના કેટલાક મહત્વપૂર્ણ સંબંધોને વિદ્વાનોએ ઉકેલવા પડશે. અલબત્ત, પરંપરાના ધોવાણ અને જમીન પરના ભૌતિક પુરાવાના નુકશાનને કારણે આવી પ્રથાઓની સાતત્યતા શોધવાનું, આર્કિયોલોજીસ્ટ માટે મુશ્કેલ બન્યું છે. આધુનિક કાળમાં કેટલાક સમુદાયોએ પણ આંધળાં રિવાજનું પાલન કર્યું હતું. મેગાલિથિક બંધારણ સાથે સામ્યતા ધરાવવા માટે "આધુનિક ડોલ્મેન જેવું" માળખું ઊભું કર્યું હતું. આ બે વચ્ચેનો તફાવત શોધી કાઢવો પડશે.

મેગાલિથિક માનવી ખરેખર કોણ હતા?

આજે અંતે એક સવાલ જરૂર થાય કે આ મેગાલિથિક માનવી ખરેખર કોણ હતા? આ સવાલનો અંતિમ અને ફાઈનલ જવાબ આપવો મુશ્કેલ છે. ભારતીય સંસ્કૃતિનાં ઈતિહાસમાં અને ખાસ કરીને પુરાતત્ત્વ વિજ્ઞાનમાં આ લોકોના યોગદાનને અમૂલ્ય ગણનામાં આવે છે. જે અવશેષો મળ્યા છે. તે ઉપરથી અનુમાન લગાવી તેમની જીવનશૈલીની કલ્પના જરૂર થઈ શકે છે, પરંતુ તેમના જીવનની ઘણી બધી વાતો હજી રહસ્યમય ભૂતકાળમાં જ છુપાયેલી છે. તેઓ કલા અને ટેકનોલોજીજ ક્ષેત્રે આગળ હતા. તેઓ ભટકતું જીવન ગુજારતા હતા. તેમની મુખ્ય પ્રવૃતિ પશુપાલન રહી હતી. છેલ્લા આર્કિયોલોજીકલ પુરાવા બતાવે છે કે તેઓ જેમ જેમ સુંસ્કૃત થતા ગયા તેમ તેમ સ્થાયી જીવન જીવવા લાગ્યા હતા. તેઓએ ખેતીને વ્યસાય તરીકે અપનાવ્યો હતો. તેમની શબદાહ કે દફન કરવાની પદ્ધતિ વિશિષ્ટ હતી. આ પદ્ધતિએ જ તેમને વર્ષો બાદ ઓળખ છતી કરવાનો અવસર આપ્યો છે. ઘણી જગ્યાએ ખોદકામ કરવા છતાં તેમના શરીરના અવશેષોનો ખૂબ જ ઓછો ભાગ મળી આવ્યો છે. તેના ઉપર મૂકેલ વજન અને દબાણના કારણે હાડપિંજર તૂટી કે પિસાઈ ગયા છે.

શારીરિક લક્ષણો પરથી અભ્યાસ કરનારા નૃવંશશાસ્ત્રીઓને પણ ગણીગાંઠી ખોપરી મળી છે. જેના ઉપરથી ચિત્ર દોરવું મુશ્કેલ છે. નૃવંશશાસ્ત્રીઓના અભિપ્રાય પણ ભિન્ન ભિન્ન છે. કેટલાક તેમને ઉત્તર- પશ્ચિમના યુરોપના રોમનકાળ પહેલાનાં માનવી ગણે છે. કેટલાક તેમને પ્રવિડીયલ કહે છે. કેટલાકના મત પ્રમાણે તેઓ 'મેડીટેરીઅન સી તરફના દરિયાઈ કાંઠાના લોકો જ હતા. જે દરિયામાર્ગે ભારત આવ્યા હતા. તેઓ પશ્ચિમ કે મધ્ય એશિયાના મૂળ વતની હશે. તેમની ઓળખ પર રહસ્યનો અડધો પડેલો જ રહેશે તેવું લાગી રહ્યું છે. આ તબક્કે એવું લાગે છે કે ‘આ લોકોની સાચી ઓળખ મેળવવામાં હાલના ભારતીય સંશોધકોને રસ રહ્યો નથી.’ યુનિવર્સિટીઓમાં થતું સંશોધનકાર્ય શૂન્યની કક્ષાએ જઈ પહોંચ્યું છે. ચોક્કસ ધ્યેય સાથે કામ કરનારા પુરાતત્ત્વવિદ્ અને નૃવંશશાસ્ત્રીઓની ખોટ છે. મોટી ખામી સરકારની સહાય અને પ્રાચીન ઈતિહાસને દફનજ રાખવાની ભારતીયવૃત્તીમાં છુપાઈ છે. કદાચ આવતીકાલે આ ભૂમિદાહની જગ્યા કોઈ, નવા પુરાવાઓ આપે ત્યારે આપણે મૈગાલિથિક માનવીની સાચી ઓળખ પામી શકીશું.

Sunday, 14 July 2024

મુઘલોના વંશજો આજે ક્યાં છે?


શું તેઓ હજુ પણ એટલા જ શ્રીમંત છે? જેટલા તેઓ એક સમયે હતા?


1858માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા છેલ્લા મુઘલ સમ્રાટને પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો. કંપનીના સૈનિકો સાથેના  યુદ્ધ બાદ,  દિલ્હીમાં રહેલ મુઘલ  સલ્તનતનું પતન  થયું હતું.  દિલ્હીના પતન બાદ,  મુઘલ સમ્રાટને બર્મામાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તેમનું મૃત્યુ મુઘલ વંશનો અંત દર્શાવે છે.  આમ છતાં  મુઘલ સમ્રાટ સિવાય  તેના અન્ય વંશજોનું શું થયું? એક સવાલ,  સૌના મનમાં થાય તેવો છે.


મુઘલોના વંશજો આજે ક્યાં છે? શું તેઓ હજુ પણ એટલા જ શ્રીમંત છે? જેટલા તેઓ એક સમયે હતા?


બહાદુર શાહ II ના શાસનકાળના ઈતિહાસકાર અને મુગલ ટ્રસ્ટના સ્થાપક સભ્ય પ્રોફેસર અસલમ પરવેઝે ડેઈલી ટેલિગ્રાફને કહ્યું:

"એવા ઘણા લોકો છે જેઓ વંશજ હોવાનો દાવો કરે છે.બળવા પછી દિલ્હીથી ઘણા મુઘલો વિખેરાઈ ગયા હતા, હૈદરાબાદ ભાગી ગયા હતા અને કોઈને ખબર નથી કે કોણ ક્યાં ગયું," તેમણે કહ્યું  હતું.


રાજવંશની પદભ્રષ્ટીના કારણે, બ્રિટિશ કમાન્ડર દ્વારા એક હિંસક સંઘર્ષ, પછી બ્રિટિશરોએ પદભ્રષ્ટ સમ્રાટના પુત્રો-રાજવીઓના નરસંહાર  કરાવ્યો હતો. રાજકુમારોને બળદગાડા પર બેસાડીને દિલ્હી શહેર તરફ લઈ જવામાં આવ્યા. તેઓ  જ્યારે શહેરના દરવાજા પાસે પહોંચ્યા, ફરીથી લોકોનું ટોળું તેમની આસપાસ એકઠું થવા લાગ્યું હતું. બ્રિટિશ કમાન્ડર હોડસને ત્રણેય રાજકુમારોને  બળદ ગાડામાંથી ઉતરવા અને તેમના  ઉપરના વસ્ત્રો ઉતારવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તેણે તેના એક સૈનિક પાસેથી કાર્બાઈન ગન લીધી. તેમને ગોળી મારી દીધી. તેમની સિગ્નેટ વીંટી, પીરોજ આર્મ બેન્ડ્સ અને બિજવેલ્ડ તલવારો  લેવામાં આવી હતી.


તેમના મૃતદેહોને કોતવાલી અથવા પોલીસ સ્ટેશનની સામે પ્રદર્શિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.  જેથી  હિન્દુસ્તાની પ્રજા  આરામથી તેમને જોઈ શકે. જ્યાં પદભ્રષ્ટ સમ્રાટના પુત્રો માર્યા ગયા હતા, તેની નજીકના દરવાજાને હજુ પણ ખૂની દરવાજા અથવા ' લોહિયાળ દરવાજો' કહેવામાં આવે છે.


આ એક અર્થપૂર્ણ છેકે અન્ય વંશજોએ,  બ્રિટિશરોના પ્રતિશોધના ડરથી ભાગી જવું  હતું.  જેના કારણે  તેઓએ દિવસો ગુમનામીમાં પસાર કરવાનું શ્રેષ્ઠ માન્યું હશે. નીચે ચિત્રમાં, દિલ્હીના ઈમ્પિરિયલ સિટીના ઓલ્ડ બ્લડી ગેટ, જ્યાં માર્યા ગયેલા રાજકુમારોના શબને સડવા માટે છોડી દેવામાં આવ્યા હતા.  તેને આજે ઐતિહાસિક કલાકૃતિ તરીકે જાળવી રાખવામાં આવ્યા છે.


1857ના  પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ બાદ,  મુઘલ સલ્તનત સાથે  જોડાયેલા ઘણા લોકો કલકત્તા ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. જ્યાં  ખાનગી ટ્રસ્ટ  દ્વારા 70 વંશજોની  ઓળખ કરવામાં આવી છે. ઔરંગાબાદ માં  સૌથી વધુ  200  વંશજો  રહેતા હોવાનું માનવામાં આવે છે. અન્ય લોકો પાકિસ્તાન અને બર્મામાં રહેતા હોવાનું માનવામાં આવે છે. ( સાચું ખોટું રામ જાણે)


હાલ તેમાંથી કેટલાક નોંધપાત્ર ગરીબીમાં જીવે છે. એક મહિલા, સુલતાના બેગમ, જે ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બેદાદ બખ્તની વિધવા હોવાનો દાવો કરે છે.  જેને પુરાવા તરીકે 400 રૂપિયા (£5.40) મહિનાનું રાજ્ય પેન્શન  સરકાર આપતી હતી.

એવું લાગે છે કે ભારત સરકાર સુલતાના બેગમના દાવાને અધિકૃત તરીકે ઓળખે છે. જે તેમને ટોકન પેન્શનની ચુકવણી દ્વારા સ્પષ્ટ થાય છે.  ઇન્દિરા ગાંધીએ ત્યારબાદ  રાજ્ય અને મળતા સાલીયાણા બંધ કરી દીધા હતા.


તે સમયે તેણીએ કહ્યું, "મને પરિવારના વંશને કારણે ભારત સરકાર તરફથી 400 રૂપિયા પેન્શન મળે છે." "હું ક્યારેક રોજના 20 કે 25 રૂપિયામાં બંગડીઓમાં  સુશોભનના પથ્થર  ગોઠવવા જેવા વિચિત્ર કામ કરું છું." તેમના પતિ મિર્ઝા મોહમ્મદ બેદાદ બખ્ત અર્ધ કિંમતી  આવા  સુશોભનના પથ્થરોનો વેપાર કરતા હતા.


અધિકૃત રીતે, તૈમુરીદ/ખાનદાન-એ-તૈમૂર/તૈમુરિયન (خاندانء تیموریان‎) ઉર્ફે ગોરકાનિયાં/ખાંદન-એ-ગોરકાનિયાં (خاندانء گورکانیان‎) ઉર્ફે મુઘલ રાજવંશ/ખાનદાન-એ-મુગલીયા (خاندانء مغليه) ભારતીય યુદ્ધ સાથે સમાપ્ત થયું.  હિન્દુસ્તાનની સ્વતંત્રતા  બાદ,  હવે દરેક રાજવંશનો  ઔપચારિક રીતે અંત આવી ગયો છે.


Monday, 19 February 2024

અયોધ્યા: આર્કિયોલોજીના પુરાવાઓ શું કહે છે?



મનુષ્યના ભૂતકાળને આપણે ઇતિહાસ જેવું રૂપાળું નામ આપેલ છે. હજારો વર્ષના પ્રાચીન ઇતિહાસને સમજવા માટે, પ્રાચીન ગ્રંથના સંદર્ભ અને પુરાતત્વવિદ્યા એટલે કે આર્કિયોલોજી ઉપયોગી બને છે. આર્કિયોલોજી વિજ્ઞાનની જ એક શાખા છે. જેનો અભ્યાસ કરવા માટે પ્રાણીશાસ્ત્રથી લઇ નૃવંશશાસ્ત્ર, વનસ્પતિ વિજ્ઞાન રસાયણશાસ્ત્ર સુધીનું જ્ઞાન હોવું જરૂરી છે. માનવ ઇતિહાસને સમજવા માટે, ચોક્કસ કાલખંડનો અભ્યાસ પણ જરૂરી છે. ભૂતકાળમાં દ્રષ્ટિપાત કરીએ ત્યારે આપણે અનોખા પ્રકારની ટાઈમ ટ્રાવેલ કરી રહ્યા હોય તેવો રોમાન્સ પેદા થાય છે. પ્રાચીન ગ્રંથ રામાયણ અને મહાભારત, વૈદિક સંસ્કૃતિના દસ્તાવેજો છે. જે તે સમયની સભ્યતા અને સંસ્કૃતિના પરોક્ષ ઇતિહાસ જેવા છે. તેની સત્યતા ચકાસવા માટે કેટલાક લોકો, પુરાતત્વ વિદ્યાનો સહારો લેતા હોય છે. જેમ ન્યાયાલય પુરાવાઓ અને સાબિતીઓ ઉપર પોતાનો ચુકાદો આપતા હોય છે. તેમ વિજ્ઞાન પણ પુરાવાઓ અને સાબિતીઓનો આધાર લઈ સમસ્યાના ઉકેલનું કામ કરતું હોય છે. પ્રાચીન અયોધ્યાને શોધવા માટે પુરાતત્વવિદોએ અનેક વાર પ્રયત્ન કર્યા છે. રામ જન્મભૂમિ અને અયોધ્યાના મામલે આર્કિયોલોજી શું કહે છે? તેના ઉપર એક વિહંગ દ્રષ્ટિપાત કરી લઈએ.

અયોધ્યા: ઇતિહાસના પડદા પાછળ

1838થી જ રામ જન્મભૂમિનો પ્રશ્ન, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંગ્રેજ અફસરોને સતાવતો હતો. 1860માં બંગાળ સિવિલ સર્વિસના બ્રિટીશ ઓફિસર પી. કારનેગીએ પોતાના અહેવાલમાં લખ્યું હતું કે “1528માં બાબરે અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેના હુકમના કારણે મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. મંદિરના સ્થાને મસ્જિદ ઊભી કરવામાં આવી હતી. જેને સ્થાનિક પ્રજાએ બાબરી મસ્જિદ નામ આપ્યું હતું. મંદિરના તૂટેલા કાટમાળમાંથી કેટલાક સ્તંભનો ઉપયોગ મસ્જિદ બનાવવામાં કરવામાં આવ્યો હતો.” કારનેગીએ પોતાના રિપોર્ટમાં એ પણ નોંધ્યું હતું કે “ હિન્દુઓના મંદિર તોડવા અને તેના ઉપર મસ્જિદ બાંધવીએ મુસ્લિમ આક્રમણખોરોનો પ્રાથમિક સિદ્ધાંત રહ્યો છે. એટલું જ નહીં જીતેલી પ્રજા ઉપર તેમનો ધર્મ થોપી દેવામાં આવતો હતો.” અહીં એક મુદ્દો યાદ રાખવા લાયક છે. મોટાભાગે ઈસ્ટ ઈન્ડિયા શાસન કાળ દરમિયાન, અંગ્રેજ અફસર બ્રિટિશ શાસનને અનુરૂપ થાય, તેવા રિપોર્ટ નોંધતા આવ્યા છે. તેમની “ભાગલા પાડો અને રાજ કરો નીતિ”ના આધારે તેઓ હિન્દુસ્તાનમાં ટકી જવા માંગતા હતા. ભવિષ્યમા બ્રિટિશ અમલદારોની નીતિના કારણે, રામ જન્મભૂમીનો મુદ્દો વધારે સેન્સેટિવ બનવાનો હતો.

હિન્દૂ-મુસ્લિમ વચ્ચે રામ જન્મભૂમિ મેળવવા માટે પ્રથમ લોહિયાળ જંગ 1853-55 વચ્ચે શરૂ થયો હતો. આ ઘટનાના પાંચ સાત વર્ષ બાદ, ભારતમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના 1861માં અંગ્રેજ અફસર એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા કરવામાં આવી હતી. જેઓ તેના પ્રથમ ડિરેક્ટર જનરલ પણ બન્યા હતા. ઉપખંડના ઇતિહાસમાં સૌપ્રથમ પદ્ધતિસરનું સંશોધન એશિયાટિક સોસાયટી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેની સ્થાપના બ્રિટિશ ઈન્ડોલોજિસ્ટ સર વિલિયમ જોન્સ દ્વારા 15 જાન્યુઆરી 1784ના રોજ કરવામાં આવી હતી. કલકત્તા સ્થિત, સોસાયટીએ પ્રાચીન સંસ્કૃત અને ફારસી ગ્રંથોના અભ્યાસને પ્રોત્સાહન આપ્યું અને વાર્ષિક જર્નલ પણ પ્રકાશિત કરતા હતા. એશિયાટિક સોસાયટીના કેટલાક સભ્ય આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના સભ્ય પણ હતા. 1862-63માં એલેક્ઝાન્ડર કનિંગહામે અયોધ્યાના સર્વેક્ષણનું પ્રથમ કાર્ય કર્યું હતું. ત્યારબાદ 1889-91માં, એલોઈસ એન્ટોન ફુહરરની આગેવાની હેઠળ ASI ટીમે અયોધ્યાનો બીજો સર્વે હાથ ધર્યો હતો.

એલોઈસ એન્ટોન ફુહરર: જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

ગુજરાતીમાં કહેવત છે - જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એલોઈસ એન્ટોન ફુહરર એક જર્મન ઈન્ડોલોજિસ્ટ હતા. જેમણે ભારતના પુરાતત્વ સર્વેક્ષણ માટે કામ કર્યું હતું. તેમના અભ્યાસનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ હતો. તેઓ પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપત્યની શોધખોળ કરતા હતા. તેમની દ્રષ્ટિ બૌદ્ધ ધર્મથી રંગાયેલ હોવાથી, બૌદ્ધ ધર્મનો ઇતિહાસ અને સૃષ્ટિ તેમને વધુ દેખાતી હતી. તેમને હિન્દૂ સભ્યતાં કોઈ અવશેષ અયોધ્યામાં જોયા ના હતા. અયોધ્યાના સ્થળે તેમણે અનિયમિત તૂટેલા ખંડેરના ઢગલાઓ જોવા મળ્યા હતા. મસ્જિદ રચના બાદ વધેલા ભંગારના ટેકરાઓ પણ હતા. તેમને જે પ્રાચીન બાંધકામના માટીના ઢગલા જોવા મળ્યા તે સ્થળ, મણીપર્વત, કુબેર પર્વત અને સુગ્રીવ પર્વત તરીકે જાણીતા હતા. જેના ઉપરથી એલેક્ઝાન્ડર કનિંગહામે શોધી કાઢ્યું કે “ ચીની મુસાફર હ્યુ એન સાંગના લખાણમાં આ ત્રણેય સ્થળનો ઉલ્લેખ છે.

આ બંને અંગ્રેજો માનતા હતા કે રામાયણકાલીન પ્રાચીન અયોધ્યા નગરી, કૌશલ નરેશ બૃહદબલાના મૃત્યુ બાદ ( ઈસવીસન પૂર્વે 1426માં) નાશ પામી હતી. (બૃહદબલાનો ઉલ્લેખમાં મહાભારતમાં થયેલો જોવા મળે છે. બૃહદબલા મહાભારતમાં યુદ્ધમાં કૌરવો તરફથી યુદ્ધ લડ્યો હતો. અભિમન્યુએ તેનો વધ કર્યો હતો.) ત્યારબાદ અયોધ્યામાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ફેલાવો પણ થયો. જૈન ધર્મના 24 તીર્થંકરો છે. પ્રથમ પાંચમાંથી ચાર (ત્રીજા તીર્થંકર સંભવનાથ સિવાયના)તીર્થંકરનો જન્મ અયોધ્યામાં થયો હતો. મુસ્લિમ વિચારો પ્રમાણે આદમના પુત્ર “શેઠ”નું દફનસ્થાન પણ અયોધ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. 1881માં ભગવાન આદિનાથને સમર્પિત શ્વેતાંબર જૈન મંદિર બાંધવાની શરૂઆત થઈ હતી.
એલોઈસ એન્ટોન ફુહરર નોંધે છે કે “ મુસ્લિમ આક્રમણ પહેલા અયોધ્યામાં ત્રણ મહત્વના મંદિરો હતા, રામ જન્મભૂમિ, સ્વર્ગ દ્વાર અને ત્રેતા કે ઠાકુર.” ફુહરરની માહિતી પ્રમાણે 1523માં મીર ખાન દ્વારા બાબરી મસ્જિદ બાંધવામાં આવી હતી. મંદિરના કેટલાક સ્તંભનો ઉપયોગનો ઉપયોગ મસ્જિદ બાંધવા માટે કરવામાં આવ્યો હતો. જેમાંના કેટલાક સ્તંભ બ્લેક સ્ટોન ના બનેલા હતા. જેને સ્થાનિક લોકો કસોટી તરીકે ઓળખતા હતા.” ઔરંગઝેબ દ્વારા સ્વર્ગદ્વાર અને ત્રેતા કે ઠાકુર મંદિર સ્થાને મસ્જિદ બાંધવામાં આવી હતી. ત્રેતા કે ઠાકુર મંદિર પાસેના ખોદકામમાંથી કનોજના જયચંદ્રના સમયનો શિલાલેખ મળી આવ્યો હતો. જે વિક્રમ સંવત 1241 (ઈ.સ.1185માં તૈયાર કરવામાં આવ્યો હતો. જે હાલમાં ફૈઝાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. ત્યારબાદ ભારત આઝાદ થયું ત્યાં સુધી, અયોધ્યામાં પુરાતત્વ સર્વેક્ષણ થયું હોવાના કોઈ સંદર્ભ કે નોંધ મળતી નથી.

આર્કિઓલોજિ ઓફ અયોધ્યા: આધુનિક ખોદકામ


બનારસ હિન્દુ યુનિવર્સિટીના અવધ કિશોર નારાયણે 1969-70 દરમિયાન અયોધ્યામાં ખોદકામનું નેતૃત્વ કર્યું હતું. તેમણે નોંધ્યું છે કે અયોધ્યાની સ્થાપના ઈ.સ.પૂર્વે 17મી સદીની શરૂઆતમાં થઈ હતી. તેમના અવલોકનમાં, આ વિસ્તારમાં મજબૂત જૈનો સ્થાપત્યની હાજરીના પુરાવા પણ મળ્યા હતા. વિશાળ પરિપક્ષમાં અયોધ્યાનું આધુનિક પુરાતત્વ સર્વેક્ષણ 1975-76માં કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણનું નેતૃત્વ બ્રિજ બાસી લાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે “આર્કિઓલોજિ ઓફ અયોધ્યા” પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. અયોધ્યા સાથે સંકળાયેલા પાંચ સ્થળોએ તેમણે ખોદકામ કરાવ્યું હતું. જેમાં અયોધ્યા, ભારદ્વાજ આશ્રમ, નંદીગ્રામ, ચિત્રકૂટ અને શૃંગવેરપુરનો સમાવેશ થતો હતો. આ સ્થળો ઉપર કુલ 15 જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે ભારતની રાજકીય પરિસ્થિતિ ડામાડોળ હતી. બી.બી. લાલના અનુરોધ કરવા છતાં પણ ફાઈનલ રિપોર્ટ ક્યારેય રજૂ થયો ન હતો. તેમના શંશોધનના આધારે તેઓએ ‘Rama, His Historicity, Mandir and Setu: Evidence of Literature, Archaeology and Other Stories’ પુસ્તક લખ્યું છે. બી. બી. લાલે 20થી વધુ પુસ્તકો અને 150થી વધુ સંશોધન પત્રો અને લેખો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિકોમાં પ્રકાશિત કર્યા છે. 1950ના દાયકામાં થયેલા આર્કિયોલોજી સર્વે વિશે બ્રિટિશ પુરાતત્વવિદો સ્ટુઅર્ટ પિગોટ અને ડી.એચ. ગોર્ડન નોંધે છે “ બી. બી. લાલની બે કૃતિઓ, કોપર હોર્ડ્સ ઓફ ધ ગંગેટિક બેસિન (1950) અને હસ્તિનાપુરા ઉત્ખનન અહેવાલ (1954-1955),જે જર્નલ ઓફ ધ આર્કિયોલોજીકલ ઓફ ઈન્ડિયા સર્વેમાં પ્રકાશિત થઈ હતી, એ સંશોધન અને ઉત્ખનન અહેવાલના સર્વોત્તમ (મૉડેલરૂપ) નમૂનાઓ છે”
એક દાયકા બાદ અયોધ્યા અને રામ જન્મભૂમિ રાજકીય મુદ્દો બની ગયો અને વિવાદાસ્પદ વાતાવરણનું સર્જન થયું. 1992માં કાર સેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે, તૂટેલા કાટમાળમાંથી પથ્થર ઉપર કોતરેલા ત્રણ શિલાલેખ મળી આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો શિલાલેખ, “વિષ્ણુ હરિ શિલાલેખ” નામે ઓળખાય છે. જેનું કદ 1.10 x 0.56 મીટરનું છે. એના ઉપર 20 લીટીમાં લખાણ કોતરેલું છે. શિલાલેખ ઈસવીસન 1140માં તૈયાર હોવાના પ્રાથમિક અનુમાન કરવામાં આવે છે. શિલાલેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર" (ભગવાન) વિષ્ણુ, બાલીનો વધ કરનાર અને દસ માથાવાળા (રાવણનો વધ કરનારને)"ને સમર્પિત કરવામાં આવે છે. શિલાલેખ સંસ્કૃત ભાષાની નાગરી લિપિમાં લખાયેલ છે. વિશ્વ કક્ષાના એપિગ્રાફિસ્ટ્સ અને સંસ્કૃત વિદ્વાનો દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. શિલાલેખ કાવ્યાત્મક શૈલીમાં લખવામાં આવેલ છે. જેમાંનો કેટલોક ભાગ ગદ્યમાં પણ છે.

કોર્ટના આદેશથી થયેલ ખોદકામ

2003માં અલ્હાબાદ હાઈકોર્ટમાં આપેલા નિવેદનમાં, બી. બી.લાલે જણાવ્યું હતું કે તેમણે 1989માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સાત પાનાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં અયોધ્યામાં બાબરી મસ્જિદના માળખાની દક્ષિણે "પાયાના સ્તંભ અને અન્ય શિખર જેવી રચનાઓની” શોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.” કોઈક કારણોસર તેમના પ્રોજેક્ટને આપવામાં આવતી તમામ ટેકનિકલ સવલતો પાછી ખેંચી લેવામાં આવી હતી. તેમની વારંવારની વિનંતી છતાં પ્રોજેક્ટને બીજા 10-12 વર્ષ સુધી પુનઃજીવિત કરવામાં આવ્યો ન હતો. છેવટે રામ જન્મભૂમિનો મુદ્દો અત્યંત સંવેદનશીલ અને વિવાદાસ્પદ બન્યો ત્યારે, આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે, કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ સ્થળ ઉપર પુરાતત્વ સર્વેક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ સ્થળે ખોદકામ કરતાં પહેલાં, દિલ્હી સ્થિત તોજો- વિકાસ ઇન્ટરનેશનલ” દ્વારા ગ્રાઉન્ડ પેનિટ્રેટીંગ રડાર વડે ભૂમિનો આર્કિઓલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. 2003માં જીપીઆર સર્વેનો જે રિપોર્ટ, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે “ સ્થળ ઉપર 184 સ્થાન ઉપર, બાંધકામના પાયા, દિવાલ, ફ્લોરીંગ અને સ્તંભ હોવાની શક્યતાઓ રહેલી છે.” જેના અનુસંધાનમાં કોર્ટ દ્વારા આ સ્થળ ઉપર ખોદકામ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદની જગ્યાનું ખોદકામ કર્યું હતું. પુરાતત્વવિદોએ બાબરી મસ્જિદ સ્થળે, મસ્જિદની રચના કરતાં પણ પ્રાચીન હોય તેવા બાંધકામ અને મોટી રચનાના સંકેતો પણ આપ્યા હતા. ખોદકામમાં 52 મુસ્લિમો સહિત 131 મજૂરોની ટીમ ખોદકામમાં રોકાયેલી હતી. 11 જૂન 2003ના રોજ એએસઆઈએ એક વચગાળાનો અહેવાલ બહાર પાડ્યો હતો. ઓગસ્ટ 2003માં એએસઆઈએ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચને 574 પાનાનો અંતિમ અહેવાલ સોંપ્યો હતો. આ અહેવાલ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. અહેવાલના આધારે જ રામજન્મ ભૂમિ કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સ્થળ સંકોચના કારણે તેનો સમાવેશ અહીં કર્યો નથી. રજૂ થયેલા રિપોર્ટ સામે વાંધો ઉઠાવી, વિજ્ઞાન જર્નલ “આર્કિયોલોજી”ના જુલાઈ ઓગસ્ટ 2004ના અંકમાં લેખ લખવામાં આવ્યો હતો. જેની લેખિકા ક્રિસ્ટિન એમ. રોમી હતી. આ વિવાદસ્પદ રજૂઆતના પડદા પાછળ કોનો દોરી સંચાર હશે? એ વાત ચાલાક વાચકો સમજી શકે છે.